ટંકારા : પવિત્ર શ્રાવણની શરૂઆતમાં મોલાત માટે કાચું સોનુ વરસશે. તા.28 જુલાઈ થી 2 ઓગસ્ટ સુધીમાં વરસાદનો સારો રાઉન્ડ આવશે તેવી હવામાન નિષ્ણાંત કિશોરભાઈ ભાડજા દ્વારા આગાહી કરવામાં આવી છે.સૂર્યનો પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ 20 જુલાઈ, 2025ના રોજ અષાઢ વદ દશમ, રવિવારે વહેલી સવારે 5:23 કલાકે થશે. આ સમયે ચંદ્ર કૃત્તિકા નક્ષત્રમાં હશે, જેનું વાહન મોર છે. 19થી 21 જુલાઈ દરમિયાન પુનર્વસુ અને પુષ્ય નક્ષત્રોના પ્રભાવ હેઠળ વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.28 જુલાઈથી 2 ઓગસ્ટ, 2025 (શ્રાવણ સુદ ચોથથી આઠમ સુધી) દરમિયાન પુષ્ય નક્ષત્રના ઉત્તરણ સમયે વરસાદનો સારો રાઉન્ડ આવવાની સંભાવના છે. આ નક્ષત્રનો વરસાદ અમૃત સમાન ગણાય છે, જે ખેતરોમાં ઉભેલા પાક માટે સોનાની જેમ કિંમતી સાબિત થશે. પુનર્વસુ અને પુષ્ય બંને નક્ષત્રોને 'વાદળી નક્ષત્ર' તરીકે ઓળખવામાં આવે છે, જે વરસાદનું પ્રતીક છે. જો પુનર્વસુ નક્ષત્રમાં વરસાદ થાય, તો પુષ્ય નક્ષત્રમાં પણ વરસાદની શક્યતા વધે છે.જોકે, સૂર્યના આશ્લેષા અને મઘા નક્ષત્રમાં પ્રવેશ દરમિયાન વરસાદની ખેંચ અનુભવાઈ શકે છે. આ આગાહી આકાશ દર્શનની પરંપરા અને અનુભવ પર આધારિત છે, પરંતુ અંતિમ પરિણામ કુદરતના હાથમાં છે. તેમ કિશોર ભાડજા, નેસડા (ખાનપર), તા. ટંકારા, જિ. મોરબી (સંપર્ક: 9586590601)ની યાદીમાં જણાવાયું છે.