એક્સપોની પ્રથમ આવૃત્તિને ભવ્ય સફળતા સાંપડતા કેન્દ્રીય મંત્રીએ અભિનંદન પાઠવ્યા, આ એક્સપોને પહેલા કરતા પણ વધુ અસરકારક બનાવવાના આયોજન અંગે થઈ ચર્ચામોરબી : તાજેતરમાં નવી દિલ્હીમાં યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે 'વાયબ્રન્ટ બિલ્ડકોન - 2025'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઈને વાયબ્રન્ટ બિલ્ડકોનના ડિરેક્ટર જીતેન્દ્ર કથીરીયા અને વાયબ્રન્ટ બિલ્ડકોનના ગ્લોબલ બિઝનેશ હેડ વિશાલ આચાર્યએ કેન્દ્રીય વાણિજય મંત્રી પિયુષ ગોયલ સાથે મુલાકાત કરી હતી. આ વેળાએ કેન્દ્રીય મંત્રીએ એક્સપોની સફળતા બદલ બન્નેને અભિનંદન પાઠવ્યા હતા. સાથે એક્સપોને પહેલા કરતા પણ વધુ અસરકારક બનાવવાના આયોજન અંગે ચર્ચા કરી હતી. નવી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે દેશના સૌથી મોટા બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો બ્લુઝોન પ્રેઝન્ટ 'વાયબ્રન્ટ બિલ્ડકોન - 2025'નું તા.13થી 16 એપ્રિલ દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ દ્વારા આ એક્સપોનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ વેળાએ બોલિવૂડ અભિનેતા અને એક્સપોના બ્રાન્ડ એમ્બેસેડર એવા સુનિલ શેટ્ટીની પણ પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી હતી. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઇ કુંડારિયા સહિતના અનેક મહાનુભાવોએ આ એક્સપોની મુલાકાત લીધી હતી. આ એક્સપોમાં બહામાસ સરકારના ગૃહ મંત્રીના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ પણ પધાર્યું હતું. વાણિજ્ય સચિવ સુનિલ બર્થવાલ દ્વારા સ્ટોલ્સની મુલાકાત લઈ એક્ઝિબીટર્સ સાથે વાર્તાલાપ પણ કરવામાં આવ્યો હતો. કજારિયા સિરામિક્સના મેનેજિંગ ડિરેક્ટર અને આઇસીસીટીએએસના પ્રમુખ ઋષિ કજારિયાએ પણ અંતિમ દિવસે એક્સપોમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેઓએ આયોજકો સાથે આગામી એડિશન અંગેની પણ જરૂરી ચર્ચા- વિચારણા કરી હતી. આ એક્સપો બી ટુ બી, બી ટુ જી, જી ટુ જી, એ ટુ જી નેટવર્કિંગ માટેનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ બન્યું હતું. આ એક્સપોના ચારેય દિવસો દરમિયાન વિઝિટર્સની સતત ભીડ જોવા મળી હતી. એક્સપોમાં 50થી વધુ દેશોના 700થી વધુ ફોરેન ડેલીગેટ્સ, 20 હજાર જેટલા ડોમેસ્ટિક વિઝિટર્સ અહીંના 5 રાજ્યોના 200થી વધુ એક્ઝિબીટર્સની પ્રોડક્ટસ નિહાળી અભિભૂત થયા હતા. આ એક્સપો થકી બહામાસ, લેટિન અમેરિકા, પશ્ચિમ આફ્રિકા, ઓશનિયા વગેરે જેવા નવા દેશોના બજારો ખુલ્યા છે. આ એક્સપોમાં નિકાસ, આયાત, જ્ઞાન વહેંચણી, તાલીમ અને કૌશલ્ય નિર્માણ, સંગઠન-થી-સંસ્થા ભાગીદારી વગેરે માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા. આ એક્સપોને લઈને વાયબ્રન્ટ બિલ્ડકોનના ડિરેક્ટર જીતેન્દ્ર કથીરીયા અને વાયબ્રન્ટ બિલ્ડકોનના ગ્લોબલ બિઝનેશ હેડ વિશાલ આચાર્યએ કેન્દ્રીય વાણિજય મંત્રી પિયુષ ગોયલ સાથે મુલાકાત કરી હતી. આ વેળાએ આગામી એડિશનને લઈને મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. કેન્દ્રી5 મંત્રીએ તાજેતરના એક્સપોના સફળતાપૂર્વક આયોજન બદલ અભિનંદન આપ્યા અને આ પહેલને વધુ મજબૂત બનાવવા અને તેની અસર વધારવાની તકો અંગે વાતચીત કરી હતી.