આમ આદમી પાર્ટીના આગેવાનોએ નવા કોયબા ગામના લોકોને સાથે રાખી તંત્રને રજૂઆત કરી હળવદ : હળવદ તાલુકાના નવા કોયબા ગામે ગયા વર્ષે નવા ગામથી જુના ગામને જોડતો નદી પરનો પુલ તૂટી ગયો હતો. જોકે આ પુલ તૂટી ગયો એને એક વર્ષ થવા આવ્યું તેમ છતાં પણ હજુ સુધી નવો બનાવવામાં આવ્યો નથી. જેને લઈ આજે હળવદ મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે આપના કાર્યકરોએ ગ્રામજનોને સાથે રાખી જવાબદાર અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા લેખિત રજૂઆત કરી છે. તંત્રને કરાયેલ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે હળવદ તાલુકાના નવા કોયબા ગામે બે વર્ષ પહેલાં બનેલો પુલ માત્ર એક જ વર્ષમાં તૂટી પડ્યો હતો. જેને આજે એક વર્ષ થયું અને હાલ ફરીથી ચોમાસુ ચાલી રહ્યું છે આજે પુલ તૂટી ગયો છે આવતીકાલે એ સાથે કોઈનું જીવન પણ તૂટી પડે એ શક્યતા સંપૂર્ણ છે. જેથી માંગ કરવામાં આવી છે કે કોન્ટ્રાક્ટર સામે ગુનાહિત ફરિયાદ દાખલ થાય અને કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેમજ જેમના દેખરેખ હેઠળ આ પુલનું નિર્માણ થયું છે તેમને પણ પુખ્ત કરવા અનિયમિતતા કરી એવા તમામ સરકારી કર્મચારીઓ સામે પણ સસ્પેન્ડ તથા તપાસ શરૂ થાય અને વહેલી તકે આ પુલનું ફરીથી નિર્માણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.