ગામ બન્યું ત્યારથી અનુસૂચિત જાતિ સમાજને મંદિરમાં પ્રવેશ નહોતો આપાતો : ગામના તમામ પાંચ મંદિરોના દર્શન કરવામાં ભેદભાવ દૂરમોરબી : મોરબી તાલુકાના ધૂળકોટ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ રાજકારણ ગરમાતા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા મંદિરમાં પ્રવેશ આપવામાં ભેદભાવ અંગે પોલીસને અરજી કરવામાં આવતા પોલીસે મધ્યસ્થી કરાવી મામલો થાળે પડ્યો હતો. છેલ્લા બે દિવસથી અનુસૂચિત જાતિ સમાજના લોકો પણ અન્ય ગ્રામજનો સાથે મંદિરમાં દર્શન કરી રહ્યા છે.મોરબી તાલુકાના આમરણ નજીક આવેલ ધૂળકોટ ગામમાં 800 લોકોની કુલ વસ્તીમાં 200થી 250 જેટલા લોકો અનુસૂચિત જાતિ સમાજના છે. જેમને ગામમાં આવેલ પાંચ મંદિરોમાં પ્રવેશ આપવામાં ન આવતો હોવા અંગે જિલ્લા પોલીસ વિભાગમાં એસસી, એસટી સેલને લેખિતમાં અરજી કરવામાં આવતા પોલીસે મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો.ધૂળકોટ ગામના વિનોદભાઈ પરમારે કહ્યું હતું કે, ગામ બન્યું ત્યારથી અમારા અનુસૂચિત જાતિ સમાજના લોકોને ગામમાં આવેલ સ્વામિનારાયણ મંદિર, રાધેકૃષ્ણ મંદિર, હનુમાનજી મંદિર તેમજ શિવ મંદિર સહિતના પાંચ મંદિરોમાં ભેદભાવ રાખી પ્રવેશ આપવામાં આવતો ન હતો. પરંતુ પોલીસમાં અરજી કરતા મામલો થાળે પડ્યો છે અને હવે તમામ મંદિરમાં પ્રવેશ મળતા અમે લોકો પણ ભગવાનના દર્શન કરી શકીએ છીએ.બીજીતરફ ધૂળકોટ ગામના અગ્રણી અને મંદિરની વ્યવસ્થા સંભાળતા વેલજીભાઈ પોરિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા દાયકાઓથી અમે કોઈ પણ સમાજને મંદિરમાં પ્રવેશ માટે અટકાવ્યા નથી. એ લોકો જ મંદિરમાં દર્શન માટે આવતા ન હતાં. સાથે જ તાજેતરમાં ચૂંટણીને કારણે રાજકારણ ગરમાયુ હોય મંદિરના દર્શનનો મુદ્દો ચગ્યો હોવાનું જણાવી તેમને ઉમેર્યુ હતું કે, છેલ્લા બે દિવસથી ગામના અનુસૂચિત જાતિ સમાજના લોકો પણ દર્શને આવી રહ્યા છે. દરમ્યાન મોરબી તાલુકા પીઆઇ એસ.કે. ચારેલએ પણ ધૂળકોટ ગામના મંદિર દર્શન મુદ્દે ગ્રામજનો અને અરજી કરનાર અનુસૂચિત જાતિ વચ્ચે સુખદ સમાધાન થઈ ગયું હોવાનું જણાવ્યું હતું.