ફૂડ પોઇઝનિંગથી મોત થયાનું પ્રાથમિક તારણ હળવદ : હળવદ તાલુકાના કોયબા ગામે ઝેરી ખોરાક ખાવાથી રાષ્ટ્રીય પક્ષી મોરના મૃત્યુ થયાનો બનાવ સામે આવ્યો છે. ગામ લોકોના જણાવ્યા મુજબ ચાર મોરના મૃત્યુ થયા છે. જ્યારે ફોરેસ્ટ વિભાગના જણાવ્યા મુજબ બે મોરના મૃત્યુ થયા છે. ઘટનાને પગલે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી એક મોરના મૃતદેહને પીએમ માટે હળવદ લઈ ગયા છે.કોયબા ગામના પાદરમાં મોરના મૃત્યુ થયાનો બનાવ સામે આવતા ફોરેસ્ટ વિભાગ દોડતું થયું છે. અહીં ગામ લોકો કહી રહ્યા છે કે, ચાર મોરના મૃત્યુ થયા છે જેમાંના ત્રણ મૃત મોરને કુતરાઓ ખાઈ ગયા છે. જ્યારે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ કહી રહ્યા છે કે બે મોરના જ મૃત્યુ થયા છે. જેમાંના એક મોરને શ્વાન ખાઈ ગયા છે. જ્યારે એક મોરનો મૃતદેહ મળી આવ્યો છે. જેથી તેને પીએમ માટે લઈ જવામાં આવ્યો હતો.હળવદ ફોરેસ્ટના અધિકારી એમ.જે વરમોરાએ જણાવ્યું હતું કે, એક મોર નો મૃતદેહ મળી આવ્યો છે. જેનું અમે પીએમ કરવા માટે હળવદ પશુ દવાખાને લઈ જવામાં આવ્યો હતો. જે મૃત મોરનું પીએમ કર્યા બાદ પ્રાથમિક રિપોર્ટમાં ઝેરી ખોરાક ખાવાથી મૃત્યુ થયું હોય એવું સામે આવ્યું છે. જ્યારે ગામ લોકોના જણાવ્યા મુજબ ચાર મોરના મોત થયા છે જેથી તે દિશામાં પણ હાલ અમારી તપાસ ચાલુ છે.