પંચાયતના સભ્યો ગામ લોકોને સાથે રાખી પાણી મુદ્દે રસ્તા રોકો આંદોલનમાં જોડાશેહળવદ : હાલ ચોમાસાની સિઝન ચાલુ ચાલુ છે. ત્યારે ચોમાસે પણ પૂરતું પાણી ન મળતું હોવાના કારણે ચરાડવા ગ્રામ પંચાયતે પાણી મુદ્દે પાણી બતાવ્યું હોય તેવી ઉગ્ર રજૂઆત જિલ્લા કલેકટરને કરવામાં આવી છે અને પાણીનું યોગ્ય સમાધાન કરવા માટે આઠ દિવસનો સમય પણ અપાયો છે.ચરાડવા ગ્રામ પંચાયત દ્વારા મોરબી જિલ્લા કલેકટરને કરાયેલ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, ચરાડવા ગામને પીવાના પાણીનો પ્રશ્ન હોય ગામમાં દરેક ઘરે પૂરતા પ્રમાણમાં પાણી પહોંચાડી શકાતું નથી. ચરાડવા ગામને બ્રાહ્મણી-બે જૂથ યોજનામાંથી પાણી આપવામાં આવે છે. જ્યાં અમોએ વારંવાર રજૂઆત કરેલ છે તેમ છતાં પણ પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવતું નથી. જેથી જો આગામી આઠ દિવસમાં પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં નહીં આવે તો ગ્રામ પંચાયતના સભ્યો તથા ગ્રામજનો દ્વારા રસ્તા રોકો આંદોલન અને ધરણા પર બેસવાની ફરજ પડશે. જેથી તાત્કાલિક ધોરણે ચરાડવા ગામને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવે તેવી માંગ કરાઈ છે. હવે જોવાનું એ છે કે જીવન જરૂરિયાત એવા પાણીના પ્રશ્ને પણ ચરાડવાના ગ્રામજનોને રસ્તા રોકો આંદોલન કરવા ફરજ પડે છે કે પછી પાણીનો પ્રશ્ન હલ થાય છે ?