કોંગ્રેસના આગેવાનોએ ગેટ કૂદી અંદર જવાના પ્રયાસ કર્યા, હાલ મહાપાલિકાની બહાર વિરોધ પ્રદર્શન ચાલુમોરબી : મોરબીના પાયાના પ્રશ્નોને લઈને કોંગ્રેસે આજે પ્રજાને સાથે રાખી મહાપાલિકાના ઘેરાવનો કાર્યક્રમ શરૂ કર્યો છે. જો કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેટ બંધ કરી મહાપાલિકામાં કોઈને પ્રવેશવા દેવાયા નથી. મોરબીમાં રોડ- રસ્તા અને ગટર સહિતના પ્રશ્નોને લઈને જનઆંદોલન થઈ રહ્યા હતા. ત્યારે કોંગ્રેસે છુટા છુટા થઈને આંદોલન કરવાને બદલે બધાને મળીને મહાપાલિકા કચેરીનો ઘેરાવ કરવાની હાંકલ કરવામાં આવી હતી. ત્યારે આજના આ મહાપાલિકાના ઘેરાવના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગી આગેવાનો અને લોકો જોડાયા છે. મહાપાલિકાનો ઘેરાવ કરવા આવેલા લોકોને પોલીસ દ્વારા રોકવામાં આવી રહ્યા છે. મહાપાલિકાનો મેઈન ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે. જો કે કોંગ્રેસ આગેવાનો દ્વારા આ ગેટ ઠેકવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. પરંતુ પોલીસ દ્વારા તેમને રોકી દેવામાં આવ્યા છે. હાલ મહાપાલિકા કચેરી બહાર વિરોધ પ્રદર્શન ચાલુ છે.