અંતે રાજીનામાં ચેલેન્જનો અંત આવ્યો : છેલ્લા ઘણા સમયથી આ ચેલેન્જ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની હતી મોરબી : મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને ગોપાલ ઇટાલીયા વચ્ચેની રાજીનામાં ચેલેન્જ ઘણા ઘણા સમયથી રાજ્યમાં ચર્ચાનો વિષય બની હતી. પરંતુ આજે આનો અંત આવ્યો છે. ઉપરાંત વિધાનસભા અધ્યક્ષએ પણ બંને ધારાસભ્યોને પોતાના કામમાં ધ્યાન આપવાની સલાહ આપી હતી. મોરબીમાં જન આંદોલનો થયા બાદ જોત જોતામાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને ગોપાલ ઇટાલીયા વચ્ચે રાજીનામાં ચેલેન્જ શરૂ થઈ હતી. જેમાં ધારાસભ્ય કાંતિલાલે ગોપાલ ઇટાલીયાને ચૂંટણી લડવા આવે તો તેઓ રાજીનામું આપી દેશે અને માથે બે કરોડનું ઇનામ આપશે. તેવી ચેલેન્જ આપી હતી આ ચેલેન્જ ગોપાલ ઇટાલીયાએ સ્વીકારી હતી. બાદમાં ધારાસભ્ય કાંતિલાલે આજે સોમવારે તેઓ બન્ને રાજીનામું આપે તેવું આહવાન કર્યું હતું. જે મુજબ ધારાસભ્ય કાંતિલાલ આજે વિધાનસભા ખાતે રાજીનામું આપવા પહોંચ્યા હતા. જ્યાં તેઓએ રાહ જોઈ હતી. પરંતુ ગોપાલ ઇટાલીયા આવ્યા ન હતા. આમ રાજીનામાં ચેલેન્જનો અંત આવ્યો છે. આ દરમિયાન વિધાનસભા ખાતે પહોંચેલા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને આ મામલે પૂછવામાં આવતા તેઓએ કહ્યું હતું કે હજુ તેઓ પાસે આ વિષય આવ્યો નથી. ઉપરાંત તેઓએ સલાહ આપી હતી કે બંને ધારાસભ્યોએ પોતાનું કામ કરવુ જોઈએ.