ખેડૂતના શેઢે બોરડીમાં લુમેઝુમે બોર આવતા ખેડૂતોમાં આશ્ચર્યટંકારા : આ સૃષ્ટિના સર્જનહારે દરેક ચીજ વસ્તુઓ માટે ચોક્કસ સમય અને ઋતુચક્રનું નિર્માણ કર્યું છે પરંતુ કળિયુગમાં કાળા માથાના માનવીએ કુદરતની સામે પડકાર ફેંકી માણસના જન્મથી લઈ મૃત્યુ સુધીની બાબતમાં પોતાનું ધાર્યું કરવા વિજ્ઞાન અને ટેક્નોલોજીનો સહારો લઈ કુતરતના ઋતુચક્રને સમુળગુ બદલી નાખ્યું છે. બીજી તરફ પ્રદુષણને કારણે ક્લાઈમેટ ચેન્જના મોટા પડકાર ઊભા છે ત્યારે અવનવા બનાવો સામે આવી રહ્યા છે. ટંકારા તાલુકાના હીરાપર ગામે પણ પ્રકૃતિનો બદલાયેલા મિજાજનો નજારો જોવા મળ્યો છે જેમાં ભર ચોમાસે બોરડીમાં ચણિયા બોર પાકતા ખેડૂતો આશ્ચર્ય ચકિત બન્યા છે.ઋતુવૈવિધ્ય ધરાવતા ખેતી પ્રધાન ભારત દેશમાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ એમ ત્રણ ઋતુમાં અલગ અલગ પ્રકારના ફળ ઉગે છે જેમાં શિયાળામાં સફરજન, બોર, જામફળ, સીતાફળ જેવા ફળ, ઉનાળામાં કેરી, તરબૂચ,કેળા, સાકરટેટી જેવા ફળ તેમજ ચોમાસામાં જાંબુ, ખારેક, રાયણ અને નાસપતિ જેવા ફળ આવતા હોય છે. જો કે, તમામ પ્રકારના બોર હમેશા શિયાળામાં જ પાકતા હોય છે પરંતુ ક્લાઈમેટ ચેન્જના પડકાર વચ્ચે ટંકારા તાલુકાના હીરાપર ગાંબ ખેડૂત રમેશભાઈ દલસાણીયાના ખેતરના શેઢે ઉગેલી બોરડીમાં હાલમાં ભર ચોમાસે બોરડીમાં ચણિયા બોર લુમેઝુમે આવ્યા છે અને પાક્યા પણ છે. જે કુદરતનો બદલતો મિજાજ દર્શાવે છે. હીરાપરમાં ચોમાસામાં ચણિયા બોર પાક્યા હોવાની ઘટના હાલમાં ટંકારા પંથકમાં ચર્ચાનો વિષય બન્યા છે.