મોરબી પાંજરાપોળ ટ્રસ્ટની 1200 વીઘા જમીનમાં 1.5 લાખ વૃક્ષો ઉછેરવામાં આવશે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમમોરબી : સામાજિક વનીકરણ વિભાગ, રાજકોટ પાંજરાપોળ ટ્રસ્ટ- મોરબી અને સદભાવના વૃદ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે આજરોજ એક પેડ મા કે નામ 2.0 અંતર્ગત મોરબીમાં પાંજરાપોળ ટ્રસ્ટની ડેમની નજીક પાટીદાર કન્યા છાત્રાલયની પાછળ આવેલી 1200 વીઘા જમીનમાં વૃક્ષારોપણ મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.આ 1200 વીઘા જમીનમાં આજરોજ રાજકીય-સામાજિક અગ્રણીઓ અને વિવિધ સામાજિક-ધાર્મિક સંસ્થાના લોકો દ્વારા એક સાથે એક જ જગ્યાએ 3500 જેટલા વૃક્ષનું રોપણ કરવામાં આવ્યું હતું અને ઇતિહાસ રચવામાં આવ્યો હતો. આગામી સમયમાં આ જગ્યાએ દોઢ લાખ જેટલા વૃક્ષો ઉગાડવામાં આવશે. આ પ્રસંગે મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૃક્ષારોપણ અંગે એક પેડ મા કે નામ અભિયાનની શરૂઆત કરી હતી. ત્યારે આ અભિયાનનું આ બીજું વર્ષ હોય એક પેડ મા કે નામ 2.0 અંતર્ગત તમામ જિલ્લાઓમાં વન મહોત્સવ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. આ વર્ષે રાજ્યમાં 245 જગ્યાએ વન કવચ કરવામાં આવશે. મોરબી ઔદ્યોગિક નગરી તો છે જ પરંતુ વૃક્ષ નગરી બને તેવા પ્રયત્નો કરવામાં આવશે. આ સ્થળ પર્યટન સ્થળ તરીકે વિકસે અને મોરબી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને એક ફરવા લાયક સ્થળ માટે મળે તેવા પ્રયત્નો હાથ ધરાયા છે. અન્ય જિલ્લાઓમાં પણ જ્યાં ઓછા વૃક્ષો તે છે તે જગ્યાએ નેશનલ હાઈવે સ્ટેટ હાઇવે ની સાઈડમાં વૃક્ષો વાવવા માટે સરકાર ત્યાંની સ્થાનિક સામાજિક સંસ્થાઓ સાથે મળીને કાર્ય કરી રહી છે.આ તકે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, આજે તમામ લોકોની હાજરીમાં આ જગ્યાનું નામ નમો વન આપવામાં આવ્યું છે. તે બદલ રાજ્ય સરકાર, સદભાવના વૃદ્ધાશ્રમ અને તમામ ઉદ્યોગકારોનો આભાર વ્યકત કરું છું. દોઢ લાખ જેટલા વૃક્ષો આ જગ્યાએ ઉગાડવામાં આવશે. જેથી આગામી દિવસોમાં લોકોને એક પર્યટન સ્થળ મળશે અને કલબ હાઉસ સહિતના આકર્ષણો પણ અહીં વિકસાવવામાં આવશે.કનકેશ્વરી દેવીએ જણાવ્યું હતું કે, જે લોકો વૃક્ષ લગાવે છે તે પોતાની માતાને સાડી ચડાવ્યા બરાબર છે. માણસ માત્રને જે કાંઈ પ્રાપ્ત થયું છે તે પ્રકૃતિને આભારી છે.આ કાર્યક્રમમાં મોરબીની 29 જેટલી વિવિધ સંસ્થાના અગ્રણીઓ પણ જોડાયા હતા અને વૃક્ષારોપણ કર્યું હતું. મોરબી જિલ્લામાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ નું જતન કરનાર કેટલાક લોકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા, પંકજભાઈ મોદી (નરેન્દ્ર મોદીના ભાઈ), જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, સાંસદ વિનોદભાઈ ચાવડા, ચંદુભાઈ શિહોરા, કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મહામંડલેશ્વર કનકેશ્વરી દેવી, પાંજરાપોળના પ્રમુખ વેલજીભાઈ પટેલ, સદભાવના વૃદ્ધાશ્રમના વિજય ડોબરીયા સહિતના પદાધિકારીઓ અને વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.