મોરબી : મોરબી મહાનગરપાલિકા કાર્યરત થયા બાદ સ્ટાફની ખૂબ જ મોટી ઘટ હોય અને આસપાસના ગામોનો પણ મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવેલો હોય મોરબી મહાનગરપાલિકા તરફથી રાજ્ય સરકારના શહેરી વિભાગ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં મહેકમ મંજૂર કરવા દરખાસ્ત કરવામાં આવી હતી અને તે વિગતે રાજ્ય સરકાર દ્વારા મોરબી મહાનગરપાલિકામાં વર્ગ-1ના રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત 13 અધિકારીઓ તથા વર્ગ-2 ના 58 અને વર્ગ-3ના 247 અધિકારી/કર્મચારીઓનું જગ્યાઓ સહિતનું નવું મહેકમ કુલ 306 અધિકારી/કર્મચારીઓનું મંજૂર કરવામાં આવ્યું છે.મોરબી મહાનગરપાલિકાનું આ મહેકમ મંજૂર થતા હવે તેની નિયમ અનુસાર કાર્યવાહીઓ થયા બાદ આગામી સમયમાં આ અંગેની ભરતી પ્રક્રિયા રાજ્ય સરકારના માર્ગદર્શન મુજબ કરવામાં આવશે. જેથી હાલની માનવ બળની ઘટનો પ્રશ્ન મહદંશે ઉકેલવામાં આવશે અને નવા ટેકનીકલ ઇજનેરો અને ટેકનિકલ માણસોની ભરતી પ્રક્રિયાઓ કરવામાં આવતા શહેરના વિકાસને બળ મળશે અને મહાનગરપાલિકાની તમામ શાખાઓની કામગીરી વધુ સારી રીતે થઈ શકે તે માટે આગામી સમયમાં આ ભરતી પ્રક્રિયા અંગેનું આયોજન હાથ ધરવામાં આવનાર છે.