મોરબી : ગુરુપૂર્ણિમા, ગુરુ અને શિષ્યના પવિત્ર બંધનને ઉજવતો એક એવો દિવસ છે, જે જ્ઞાનના પ્રકાશને આદર આપે છે. આ વર્ષે મોરબીમાં મેંગોપીપલ પરિવારે ઝૂંપડપટ્ટીના બાળકો સાથે ગુરુપૂર્ણિમાની અનોખી ઉજવણી કરી હતી. ઉજવણીનો પ્રારંભ અત્યંત ભક્તિભાવપૂર્ણ માહોલમાં થયો હતો. ઝૂંપડપટ્ટીના આ નિર્દોષ બાળકોએ વિદ્યાની દેવી, મા સરસ્વતીનું પૂજન-અર્ચન કર્યું હતું. તેમના નાના હાથોથી પુષ્પહાર અર્પણ કરતા અને પ્રસાદ ધરાવતા જોઈને, જાણે સ્વયં દેવી પણ તેમના પર કૃપા વરસાવતી હોય તેવો અનુભવ થયો હતો. દરેક વિદ્યાર્થીએ પોતાના આદરણીય શિક્ષિકાના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક વંદન કર્યા હતા. નાના હાથે પોતાના ગુરુના ચરણ ધોયા, કુમકુમ તિલક કર્યું, કપાળે કંકુ-ચોખા લગાવી ચરણ સ્પર્શ કર્યા હતા. ત્યારબાદ દરેક બાળકને સ્વાદિષ્ટ ચોકલેટ આપવામાં આવી હતી.