પ્રજાએ આંધળો પ્રેમ કરીને વધુ મત આપી ભાજપને બેફામ બનાવી, કોંગ્રેસ એક સબળ વિપક્ષ છે, તમારી સોસાયટીનો કોઈ પણ પ્રશ્ન હોય અમને કયો, અમે ત્યાં આવીશું અને તંત્ર સામે અવાજ ઉઠાવીશું : કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં પૂર્વ ધારાસભ્યે ભાજપ ઉપર કર્યા આકરા પ્રહારોમોરબી : મોરબીમાં થઇ રહેલા જન આંદોલનો વચ્ચે કોંગ્રેસ દ્વારા આગામી સોમવારે મહાપાલિકા કચેરીનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે છુટા છુટા થઈ આંદોલનો કરશો તો નિરાકરણ નહિ આવે તેવું જણાવી સોમવારે એકજુટ થઈ કોંગ્રેસ સાથે મહાપાલિકાનો ઘેરાવ કરવા આવો તેવી પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ પ્રજાને હાંકલ કરી છે. લલિતભાઈ કગથરાએ જણાવ્યું કે આજે મોરબીની હાલત બદતર છે. વર્ષોથી ભાજપનું શાસન છે. મોરબીનો જે રીતે આડેધડ વિકાસ કર્યો છે. કુદરતી પાણીનો નિકાલ બંધ કરી બિલ્ડીંગોના ખડકલા કર્યા છે. રોડ રસ્તા અને ગટર વ્યવસ્થા લોકો ત્રાહિમામ થઈ જાય તેવી છે. આવતા સોમવારે સવારે 10:30 વાગ્યે તમામ જનતાને કોંગ્રેસ અપીલ કરે છે કે મહાપાલિકા ઓફિસે ઘેરાવમાં જોડાય. મોરબી શહેરે કાંતિલાલ અમૃતિયાને 60 હજાર મતની લીડ આપ્યા પછી પણ લોકોને પ્રશ્ન માટે બહાર નીકળવું પડ્યું છે. ભ્રષ્ટાચારથી ખદબદતા મોરબી મહાપાલિકાના વહીવટના કારણે પ્રજા સહન કરી રહી છે. કોંગ્રેસ સાથે તમે પ્રેમ કર્યો હોય કે ન કર્યો હોય પણ કોંગ્રેસ તમારા પ્રશ્ને લડવા તૈયાર છે. અમે બધા ટિમ બની લડવા તૈયાર છીએ. મોરબીમાં આંધળો પ્રેમ કરી ભાજપને ઔકાત કરતા વધુ મત આપીને બેફામ બનાવી છે. એના હિસાબે ભ્રષ્ટાચાર ફુલ્યો ફાલ્યો છે. છુટા છુટા થઈને આંદોલન કરીશું તો પરિણામ નહિ આવે એટલે એકજુટ થઈને આંદોલન કરવું પડશે. અમે કોઈ જસ ખાટવા આ કરી રહ્યા નથી. પ્રજાના પ્રશ્નને કારણે કરી રહ્યા છીએ. કાગથરાએ વધુમાં જણાવ્યું હતું કે મોરબીની પ્રજા ભાજપને આંધળો પ્રેમ કરે છે. કોંગ્રેસ સબળ વિરોધ પક્ષ છે તમારા પ્રશ્નો માટે લડવા તૈયાર છે. પણ તમારામાં જે ડર ભાજપે નાખી દીધો છે તે માનસિકતા સુધારવાની જરૂર છે. કાંતિભાઈને મારે કહેવું છે કે તમે ધારાસભ્ય તરીકે વિધાનસભામાં ક્યારે પ્રશ્ન ઉઠાવ્યો કે મારા મોરબીની આ હાલત છે. હવે પ્રજા કોઈ પણ સોસાયટીમાંથી કોંગ્રેસને બોલાવશે અમે ત્યાં જઈ તે પ્રશ્ન માટે તંત્ર સમક્ષ લડત આપીશું. કાંતિભાઈ પેરિસ બનાવવાની વાતો કરતા હતા, આતો નર્ક બનાવી દીધું : કગથરાલલિત કગથરાએ કહ્યું કે વર્ષોથી મોરબીમાં શાસન ભાજપ કરી રહી છે. કાંતિભાઈ પેરિસ બનાવવાની વાતો કરતા હતા તેમને કહેવું છે કે આ તમારા સપનાનું પેરિસ છે ? કે આ તમે મોરબીને નર્ક બનાવીને બેઠા છો. ગઈકાલે બેઠક મળી એ બેઠક ક્યારે બોલાવવામાં આવી, જ્યારે બહેનો દીકરીઓએ બહાર નીકળી રોડ બ્લોક કર્યા ત્યારે બેઠક બોલાવી હતી. હવે તમે જાગો છો. આ પેરિસ બનાવવાની ખોટી વાતો કરો છો, પ્રજા બહાર નીકળે પછી પગલાં લ્યો છો. ચેલેન્જ આપવી હોય તો પ્રજાના પ્રશ્ન સોલ્વ કરવાની આપો : કગથરાકાંતિલાલ અને ગોપાલ ઇટાલિયાએ એકબીજાને આપેલી ચેલેન્જ વિશે લલિતભાઈએ જણાવ્યું કે આમાં આછકલાય અને છીછરાપણુ દેખાઈ રહ્યું છે. આ કોઈ તમારી મિલકત નથી કે તમે વેચી નાખો. વિસાવદર અને મોરબીની જનતાએ અનેક પડકારો ઝીલી તમને ચૂંટયા છે. ચેલેન્જ આપવી હોય તો પ્રજાના પ્રશ્નો સોલ્વ કરવાની ચેલેન્જ આપો. એમ કહો કે તમારા વિસ્તારમાં કોઈ એક માણસ પણ ગુંડાગીરીથી હેરાન નહીં થાય. કોઈ અધિકારી ભ્રષ્ટાચાર નહિ કરે. આવી ચેલેન્જ મારો. તમે આકાને પૂછ્યા વગર બાથરૂમ જઈ શકવાના નથી. અને રાજીનામાની વાતો કરો છો. તમને પ્રજાએ મત આપ્યા છે પ્રશ્નો સોલ્વ કરવા માટે. બન્ને રાષ્ટ્રીય પાર્ટીના ધારાસભ્ય છો. તમને ખબર છે. તમે આકાને પૂછ્યા વગર રાજીનામુ ન આપી શકો. પકડ મુજે જોર આતા હે આવી રીતે પ્રજાને ગુમરાહ ન કરવી જોઈએ. કેબીનો તોડીને છાતી ફુલાવાનું બંધ કરો, ત્રેવડ હોય તો મોટા ગેરકાયદેસર બિલ્ડીંગ તોડી બતાવો : પૂર્વ ધારાસભ્યપૂર્વ ધારાસભ્ય લલિતભાઈએ જણાવ્યું કે જાગ્યા ત્યારથી સવાર. હું કાંતિલાલને ચેલેન્જ આપું છું કે તમારામાં ત્રેવડ હોય તો જે ગેરકાયદેસર બાંધકામો થયા છે તે તમામનું ડીમોલેશન ચાલુ કરો. નાનો માણસ જેમાંથી રોટલા કાઢતો હોય તેવી નાની કેબીનો તોડીને તમે છાતી ફુલાવવાનું બંધ કરો. હું બતાવુ તમને કેટલા મોરબીમાં ગેરકાયદેસર બિલ્ડીંગો ઉભા છે. જે પાણી નિકાલમાં બાધારૂપ બની રહ્યા છે. જ્યાં પાર્કિંગની વ્યવસ્થા નથી. તમારામાં હિંમત હોય તો જે ચાલુ છે તે બાંધકામ તો રોકાવો. રવાપર ચોકડીએ મોટું બિલ્ડીંગ ખડકી રહ્યા છે. પાર્કિંગ નથી. પછી રોડ ઉપર ટ્રાફિક થવાનો જ છે.