મોરબી : ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જરૂરી છે. જો નિયમ વિરુદ્ધ હોય તો ટ્રાફિક પોલીસ દ્વારા મેમો ફટકારવામાં પણ આવે છે. પરંતુ મોરબીના એક કાર ચાલકને જે રીતે મેમો આપવામાં આવ્યો છે જે સાંભળીને તમને પણ ટ્રાફિક શાખાની કામગીરીને લઈને આશ્ચર્ય લાગશે. વાત જાણે એમ છે કે, મોરબીના એક કાર ચાલકને હેલ્મેટ ન પહેર્યું હોવાનો મેમો આવ્યો છે. અને એ પણ અમદાવાદ શહેરમાંથી.મોરબીના શનાળા રોડ પર રાજપર ખાતે રહેતા યશભાઈ ગોસ્વામી નામના કાર ચાલકે જણાવ્યું હતું કે, તેમની કાર નંબર જીજે-36-એએફ-1500ને ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરવા બદલ 20 જૂનના રોજ ઓનલાઈન મેમો આવ્યો છે. જેમાં હેલ્મેટ ન પહેર્યું હોવાનું કારણ દર્શાવવામાં આવ્યું છે. તેમના જણાવ્યા મુજબ આ તારીખે તેમની કાર મોરબીમાં જ હતી તો પછી અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમ ભંગ કરવાનો મેમો કેવી રીતે આવ્યો અને એ પણ કારમાં હેલ્મેટનો મેમો કેવી રીતે આવ્યો. આમ ટ્રાફિક શાખાની મોટી બેદરકારી સામે આવી છે.