રોડનું કામ પુરૂ ન થાય ત્યાં સુધી હું દર અઠવાડિયે અહીં આટો મારીશ, આપણી મહાપાલિકા તમામ કામ કરવાની જ છેમોરબી : મોરબીમાં જન આંદોલનો દરમિયાન પ્રજાની વચ્ચે આવનાર અને કામોની ખાતરી આપનાર ભાજપના યુવા આગેવાન અજય લોરીયાએ છેલ્લા ઘણા દિવસોથી અલગ અલગ જગ્યાએ સ્વખર્ચે મશીનો મંગાવી કામોમાં લગાડ્યા છે. તેવામાં તેઓ આજે લાતી પ્લોટના વેપારીઓને મળવા પહોંચ્યા હતા. અને રાત્રે બે વાગ્યે પણ કામ માટે ફોન કરવાની ધરપત આપી હતી.લાતી પ્લોટની દુર્દશાને કારણે થોડા દિવસ પહેલા જ વેપારીઓએ શનાળા રોડ ઉપર ચક્કાજામ કર્યો હતો. જો કે ત્યારે ડેપ્યુટી કમિશનરે કાદવ- કિચડ વાળા રસ્તે ચાલી લાતી પ્લોટની બદતર હાલત નિહાળી કામગીરી શરૂ કરવાની ખાતરી આપી હતી. ત્યારબાદ મામલો થાળે પડ્યો હતો. આ દરમિયાન આજે અજય લોરીયાએ લાતી પ્લોટના વેપારીઓની મુલાકાત લીધી હતી. અજય લોરીયાએ વેપારીઓને કહ્યું હતું કે કંઈ પણ નાનું - મોટું કામ હોય રાત્રે 2 વાગ્યે મને ફોન કરજો. હું આપના પ્રશ્નનું નિરાકરણ લાવીશ. આ માટે ક્યારેય પણ ચેક કરવું હોય તો પણ રાત્રે ગમે ત્યારે ફોન કરજો. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે મહાપાલિકા આવી છે તે બધા કામ કરવાની જ છે. આ બધા કામ ભાજપની સરકારમાં જ થવાના છે. એટલે કોઈ પક્ષ વિરોધી કે રાજકીય વાતો કરવાનો કોઈ જ અર્થ નથી. અંતમાં તેઓએ કહ્યું કે જ્યાં સુધી રોડ નહિ બને હું દર અઠવાડિયે અહીં આંટો મારવા આવિશ.અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતના સભ્ય અજય લોરિયા અને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા વચ્ચે લાંબા સમયથી મતભેદો ચાલી રહ્યા છે. અજય લોરિયા દ્વારા સ્વ ખર્ચે મશીનો મંગાવી રસ્તા રિપેરિંગના કામોમાં લગાડ્યા છે. જે મુદ્દે ધારાસભ્યે નામ લીધા વગર કોઈને દાતારી કરવાની જરૂર નથી તેવું નિવેદન આપ્યું હતું. અને ત્યાર બાદ પ્રેસ કોન્ફરન્સ બોલાવી અજય લોરિયાએ ધારાસભ્ય કાંતિલાલ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.