તૂટેલા બ્રિજનું સમારકામ કરાવી શકતા નથી, માત્ર શાક માર્કેટમાં બેસી મોટી મોટી વાતો કરો છે : આપના કાર્યકર્તાઓએ વિડીયોમાં કર્યા પ્રહારમોરબી : મોરબીમાં ચાલી રહેલા રાજકીય ધમાસાણ વચ્ચે વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીએ પણ વચ્ચે આવીને ચેલેન્જ આપી હતી. તેવામાં હવે આમ આદમી પાર્ટીના કાર્યર્તાઓએ પણ જીતુ સોમાણીને સામી ચેલેન્જ આપી છે. વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણીએ એવું નિવેદન જાહેર કર્યું હતું કે જો ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીતી બતાવે તો હું પણ રાજીનામુ આપી દઈશ. ત્યારે વાંકાનેરની આમ આદમી પાર્ટીની ટીમે એક વિડીયો જાહેર કરી તેમાં જણાવ્યું છે કે રાતી દેવડીવાળો બાયપાસનો પુલ ઘણા સમયથી તૂટી ગયો છે. ધારાસભ્ય તેનું પણ સમારકામ કરાવી શકતા નથી. પુલની નીચે પાણી નથી, છતાં કોઈ કામ કરવામાં આવી રહ્યું નથી. વધુમાં જણાવ્યું કે અમે પણ ચેલેન્જ આપીએ છીએ ધારાસભ્ય તમે પણ રાજીનામું આપી દયો. અમારા રણછોડભાઈ તમને કાફી છે. અમે પ્રદેશમાંથી કોઈ નેતાને પણ નહીં બોલાવીએ. પ્રજાએ 5 વર્ષ કામ કરવા માટે આપ્યા છે. તો લોકોના કામ કરો. શાક માર્કેટમાં બેસી મોટી વાતો કરવા માટે પ્રજાએ તમને ચૂંટયા નથી. અત્યારે વાંકાનેરના ઠેર ઠેર રસ્તામાં ખાડા, પાણી ભરાઈ જવાની સમસ્યા છે. તમે વચનો આપ્યા છે તે પણ પુરા કર્યા નથી.