રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષે નિવૃત્ત શિક્ષક ગોવિંદભાઈ ગઢીયાની સેવાને બિરદાવી મોરબી : મોરબીમાં થોડા દિવસોથી શિક્ષણ અને શિક્ષકની ખામી ખૂબીઓ વિશે ખૂબ ચર્ચા થઈ રહી છે. ઘણા લોકો શિક્ષકની નૈતિકતા, નિષ્ઠા અને નિયમિતતા વિશે આંગળી ઉઠાવતા હોય છે, ત્યારે મોરબીના ગોવિંદભાઈ વાલજીભાઈ ગઢીયા નામના નિવૃત શિક્ષકને વંદન કરવાનું મન થાય એવું કાર્ય કરી રહ્યા છે, અને શિક્ષક કભી સાધારણ નહિ હોતાની ઉક્તિને સાર્થક કરી રહ્યા છે.સમગ્ર વિગત અનુસાર, મોરબીમાં વીસી ફાટકની સામે બુનિયાદી કન્યા પ્રાથમિક શાળા આવેલી છે, આ શાળામાં હાલ 300 ઉપરાંત વિદ્યાર્થીનીઓ છે. ગોવિંદભાઈ નિવૃત થવાના કારણે હાલ શાળામાં શિક્ષકોની ઘટ હોય બાળકો શિક્ષક અને શિક્ષણથી વંચિત રહી ન જાય બાળકોનું શિક્ષણ બગડે નહિ એ માટે ગોવિંદભાઈ નિવૃત્તિ બાદ પણ શાળામાં દરરોજ નિયમિત આવીને વિદ્યાર્થીઓને શિક્ષણકાર્ય કરાવે છે. જે શિક્ષકની સાથે વર્ષો સુધી કામ કર્યું છે એવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મોરબી જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ નિવૃત શિક્ષકની રૂબરૂ મુલાકાત લઈ એમના વર્ગકાર્યને નિહાળ્યું અને એમની અનન્ય સેવાને બિરદાવતા જણાવ્યું કે, વંદન ગુરુજી.