તમામ પૂર્વ કાઉન્સીલરો અને આગેવાનો પોતાના વોર્ડના પ્રશ્નો ઉકેલવા તંત્ર અને પ્રજા વચ્ચેનો સેતુ બનશેમોરબી : મોરબીમાં પાયાના પ્રશ્નોને લઈને જનઆંદોલનનો દૌર હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. તેવામાં આજે સાંજે ટોચના અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે કલેકટર કચેરી ખાતે મેરેથોન મિટિંગ મળી હતી. આ મિટિંગમાં પૂર્વ કાઉન્સિલરો અને ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય દ્વારા તમામ પૂર્વ કાઉન્સિલરો અને કાર્યકર્તાઓને પોતાના વોર્ડના પ્રજાના પ્રશ્ને સક્રિય રહી પ્રજા અને તંત્ર વચ્ચેનો સેતુ બનવાની સૂચના અપાઈ છે. મોરબી કલેકટર કચેરીએ સાંસદ સભ્ય કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, કલેકટર કે.બી. ઝવેરી, કમિશનર સ્વનિલ ખરે, અધિક કલેકટર એસ.જે. ખાચર, ડે. કમિશનર કુલદીપસિંહ વાળા, સંજય સોની, અને મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં પહેલા મહાનગરપાલિકાના અધિકારીઓની ધારાસભ્ય અને સાંસદની મિટિંગ થઈ હતી. આ મિટિંગમાં શહેરની સમસ્યા વિશે અને જરૂરિયાતના સાધનો વિશે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ ભાજપના હોદેદારો, નગરપાલિકાના પૂર્વ સદસ્યો સાથે બેઠક યોજવામાં આવી હતી. લગભગ 100 થી વધુ હોદેદારો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. જો કે અગાઉ પૂર્વ સદસ્યોને મહાપાલિકાના અધિકારીઓ ગણકારતા ન હોવાનો ગણગણાટ થતો હતો. તેવામાં આ બેઠકમાં અધિકારીઓને આગેવાનો દ્વારા રજૂ થતા પ્રશ્નોને ગંભીરતાથી લેવામાં આવે તેવી સૂચનાઓ પણ આપવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ બેઠક વિશે જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીએ જણાવ્યું કે છેલ્લા પાંચ દિવસથી લોકોના જે પ્રશ્ન હતા. તેમાં તાત્કાલિક રોડ, ગટર અને કુંડીઓ ભરાવાના પ્રશ્નો મામલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે. લાઈટો લગાવવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી ખૂબ જ ટૂંકા સમયમાં પૂર્ણ કરવામાં આવશે. મોરબીના લોકોને વિનંતી છે કે તમારા જે પ્રશ્નો છે એ અમને લખાવો, તેનો તાત્કાલિક નિકાલ કરાશે અને જેમાં સમય લાગશે તેમાં કોઈ વચગાળાનો રસ્તો કાઢવામાં આવશે. તમને કોઈ તકલીફ નહીં પડવા દઈએ. રોડ ઉપર આવી આંદોલન ન કરશો. તમારી તકલીફ છે તે અમારી તકલીફ છે. તેને દૂર કરવા મોરબી મહાપાલિકાના વહીવટદારથી માંડી તમામ અધિકારી અને કર્મચારી કામે લાગશે. તેની ખાતરી આપું છું. પાલિકાના પૂર્વ સદસ્યોને ધારાસભ્યએ સૂચના આપી છે કે તમે દરેક વોર્ડમાં જાઓ અને લોકોના પ્રશ્નો સાંભળો. જે પ્રશ્નો હોય તેનો તંત્રની સાથે રહી તાત્કાલિક નિકાલ કરાવો. અને લાંબા ગાળાના પ્રશ્નો હોય તો તેમાં પ્રજાને સમજાવી પ્રશ્ન દૂર કરવાના પ્રયાસ કરો. અંતમાં કલેકટરે કહ્યું કે નવી તમામ મહાપાલિકા બની તેમાં સૌથી સારૂ કામ કરનારી મોરબી મહાપાલિકા હશે તે આવનારા સમયમાં ખબર પડશે.આ મિટિંગ અંગે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું કે અમે 4 દિવસ પહેલા મિટિંગ કરી હતી. આજે પણ બધા કામના આયોજન સંદર્ભે મિટિંગ કરી છે. ખાડા, ગટર લાઈટના તમામ પ્રશ્નો 10 દિવસમાં ઉકેલાય જશે. વધુમાં આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે પૂર્વ કાઉન્સિલર અને કાર્યકર્તાઓ વોર્ડ વાઇઝ અધિકારીઓ સાથે દર 15 દિવસે બેઠક કરશે.