શહેરમાં એક પછી એક જગ્યાએ ચક્કાજામ : ઉભરાતી ગટરના પ્રશ્ને રોષે ભરાયેલા સ્થાનિકોએ રોડ બ્લોક કર્યો, મહાપાલિકાના અધિકારીએ કામ શરૂ કરવાની ખાતરી આપતા ચક્કાજામ હટ્યોમોરબી : મોરબીમાં એક પછી એક જગ્યાએ ચક્કાજામ થઈ રહ્યા છે. આજે વધુ એક જગ્યાએ મહેન્દ્રપરા મેઇન રોડ ઉપર ચક્કાજામ કરવામાં આવ્યો છે. જો કે ચક્કાજામ શરૂ થયાના અડધી કલાકમાં જ પાલિકાના અધિકારીઓએ મામલો થાળે પાડી દેતા ચક્કાજામ હટ્યો છે. મોરબીમાં જનઆંદોલનની જાણે મોસમ ચાલી રહી હોય, તેમ પ્રજા પોતાના પડતર પ્રશ્નોને લઈને રસ્તા ઉપર ઉતરીને ચક્કાજામ કરી તંત્રને સતત દોડાવી રહી છે. આ દરમિયાન આજે સવારે રવાપર ગામે ચક્કાજામ થયા બાદ આજે સાંજે મહેન્દ્રપરા શેરી નંબર 12ના રહીશોએ ઉભરાતી ગટરના પ્રશ્ને મહેન્દ્રપરા મેઈન રોડ ઉપર ચક્કાજામ કર્યો હતો. જોકે આ ચક્કાજામ સર્જાયાને અડધી કલાકમાં જ મહાપાલિકાના પાણી પુરવઠા અને ભૂગર્ભ વિભાગના અધિકારી પિયુષ મકવાણાએ સ્થળ ઉપર પહોંચી આજ રાતથી જ કામ શરૂ કરી દેવાની ખાતરી આપી હતી. જેથી મામલો થાળે પડ્યો હતો અને સ્થાનિકોએ ચક્કાજામ હટાવી દીધું હતું