ગોપાલ ઈટાલીયા મોરબી લડવા આવે તો એક પણ પ્રદેશ કે રાષ્ટ્રીય નેતાને પ્રચારમાં નહીં બોલાવીએ મોરબી : મોરબી - માળીયા મિયાણના ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ ગોપાલ ઇટાલિયાને આપેલી ચેલેન્જ બાદ રાજકીય ઘમાસાણ સર્જાયું છે ત્યારે હવે બે બળીયાના આ રાજકીય યુધ્ધમાં વાંકાનેરના આખા બોલા ધારાસભ્ય જીતુ સોમાણીએ પણ ઝંપલાવી જો ગોપાલ ઈટાલીયા મોરબીથી ચૂંટણી જીતી બતાવે તો હું પણ રાજીનામુ ધરી દઈશ તેવી ચેલેન્જ આપી છે.વાંકાનેર-કુવાડવા મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ શુક્રવારે એક વિડીયો જાહેર કરી કાંતિલાલ અમૃતિયા અને ગોપાલ ઈટાલીયા વચ્ચે જામેલા રાજીનામાના પડકારમાં જોરદાર ઝંપલાવ્યું છે. વિડીયો સંદેશમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણી કહે છે કે, ગોપાલભાઈ તો ગ્રેજ્યુએટ અને વકીલ છે. અમારા કાંતિલાલ ભલે અંગુઠા છાપ હોય પણ તમે વિસાવદરથી રાજીનામુ આપી મોરબીથી ચૂંટણી લડીને જીતી બતાવો તો હું પણ વાંકાનેર બેઠક ઉપરથી રાજીનામુ આપી દઈશ.આ વિડીયો મેસેજમાં જીતુ સોમાણી ઉમેરે છે કે, વિસાવદરથી ચૂંટણી જીતેલા ગોપાલ ઈટાલીયા દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રી વિષે ખુબ જ અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી રહ્યા છે ત્યારે હું એટલું જ કહીશ કે કુતરા ગમે તેટલા ભસે પણ હાથી તેની મદમસ્ત ચાલમાં ચાલતો રહે છે. કુતરા હમેશા હાથીની પાછળ જ ભસતા હોય છે.સૂંઢ આગળ આવવાની હિંમત નથી કરતા જો સૂંઢ પાસે આવે તો હાથી ફંગોળી દે અથવા પગ નીચે કચડી નાખે. સાથે જ તેઓએ ચેલેન્જ આપતા એમ પણ કહ્યું હતું કે, ગોપાલ ઈટાલીયા મોરબી લડવા આવે તો અમારા કાર્યકર્તા જ કાફી છે. અમે પ્રદેશ કે રાષ્ટ્રીય નેતાગીરીને પણ પ્રચાર માટે નહીં બોલાવીએ, સાથે જ ગોપાલભાઈને તેમના રાષ્ટ્રીય નેતાઓને પણ પ્રચારમાં મેદાનમાં ઉતારવા પડકાર ફેંક્યો હતો.