કચ્છની કુખ્યાત વાયર ચોર ગેંગના પાંચ આરોપીઓના નામ ખુલ્યામોરબી : માળીયા મિયાણાથી દેવગઢ જવાના રસ્તે આવેલ સૂઝલોન કંપનીની પવનચક્કીમાથી અજાણ્યા તસ્કરો કેબલ વાયર ચોરી ગયાની ફરિયાદ નોંધાયા બાદ માળીયા પોલીસે ગણતરીની કલાકોમાં જ કચ્છની કુખ્યાત વાયર ચોર ગેંગના ચાર શખ્સને દબોચી લઈ અન્ય પાંચ આરોપીઓના નામ ખુલતા ફરાર જાહેર કર્યા હતા.આરોપી અગાઉ પણ પવનચક્કી અને સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયર ચોરીમાં પોલીસ ચોપડે ચડી ચુક્યા હોવાનું સામે આવ્યું છે.પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણાથી દેવગઢ જવાના રસ્તે આવેલ સૂઝલોન કંપનીની પવનચક્કીમાંથી અજાણ્યા તસ્કરો રૂપિયા 72 હજારની કિંમતનો કેબલ વાયર ચોરી કરી જવા અંગે સિક્યુરિટી ગાર્ડ કાનાભાઈ જીવાભાઈ સવસેટાએ પોલીસ ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી કચ્છ અંજારના સાજીદ ખમીશા ઘાંચી, કાસમ ઇબ્રાહિમશા શેખ, ઇબ્રાહિમ યુસુફભાઈ સમાતાણી અને સમીર હનીફભાઈ મકવાણી નામના ચાર શખ્સને ચોરાવ કોપર વાયર 90 કિલો કિંમત રૂપિયા 72,000, ગેસ કટર કિંમત રૂપિયા 2500, ઓક્સિજન ગેસનો બાટલો કિંમત રૂપિયા 6 હજાર તેમજ લોખંડની કોસ, કુહાડી સહિત 80,700નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.વધુમા આરોપીઓની પૂછપુરછમા ચોરીના આ બનાવમા આરોપીઓએ માળીયા મિયાણાના રફીક તાજુભાઈ ભટ્ટી, શકિર ઉર્ફે ભુરો જુસબભાઈ જેડા, કચ્છ અંજારના અનિલ કોળી, લાલાભાઈ ગોરધનભાઈ દેવીપૂજક અને એક બોલેરો ગાડીના અજાણ્યા ડ્રાઇવરની સંડોવણી કબુલતા પોલીસે પાંચેય આરોપીઓને ફરાર દર્શાવ્યા છે. વધુમાં આરોપી સાજીદ ખમીશા ઘાંચી અને કાસમ વિરુદ્ધ કેબલ વાયર ચોરી અંગે અગાઉ કચ્છના જુદા જુદા પોલીસ મથકમાં ગુન્હા નોંધાયા હોવાનું સામે આવ્યું છે.