વિજિલન્સની 32 ટીમો દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ દિવસ વીજ ચેકિંગ હાથ ધર્યું હળવદ : વીજ ચોરીની ફરિયાદના આધારે વડોદરાની વિજિલન્સની 32 ટિમો દ્વારા હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં છેલ્લા ત્રણ દિવસમાં 133 કનેક્શનમાંથી વીજ ચોરી પકડી પાડી હતી જેઓને રૂ.1.20 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વડોદરાની વિજિલન્સ ટીમ દ્વારા સતત ત્રણ દિવસ સુધી વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં તારીખ 8-7-2025ના રોજ સુસવાવ,ઈશ્વર નગર, કડીયાણા, દેવીપુર, રણમલપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવતા 45 કનેક્શનમાં ગેરરીતી સામે આવી હતી. જેથી 44.74 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે તારીખ 9-7-2025 ના રોજ તાલુકાના સુખપર, કવાડિયા, ટીકર, માધવનગર, ચાડધ્રા, રાયસંગપુર નવા જુના અને અમરાપર ગામમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યાં રહેણાંકના અને વાણિજ્યના કુલ 51 કનેક્શનમાં ગેરરીતિ સામે આવી હતી. જેથી વીજ ચોરી કરતા કનેક્શન ધારકોને 53.25 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે તારીખ 10-7-2025 ના રોજ હળવદ શહેરના કણબીપરા, માધાપરા તેમજ મહાદેવનગર સહિતના વિસ્તારો અને ઘનશ્યામપુર સહિતના ગામડાઓમાં વીજ ચેકિંગ કરાતા કુલ 37 કનેક્શનમાં ગેરરીતી સામે આવી હતી. જેથી તેઓને રૂપિયા 22.31 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આમ જુદા જુદા ત્રણ દિવસ કરાયેલ ચેકિંગમાં કુલ 133 કનેક્શનમાં વીજ ચોરી સામે આવી છે. જેથી પીજીવીસીએલ તંત્ર દ્વારા રૂ.1.20 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો.