મોરબી : મોરબીના શનાળા રોડ સ્વામિનારાયણ મંદિર સામે આવેલી સરકારી કર્મચારી સોસાયટીમાં છેલ્લા બે મહિનાથી ગટર ઉભરાવાની સમસ્યા યથાવત છે. ત્યાંના રહીશોના જણાવ્યા પ્રમાણે આ ગટરના ગંદા પાણી ઘરના ફળિયામાં ઘુસી જાય છે અને હાલ વરસાદી વાતાવરણમાં ગટર ઉભરવાની સમસ્યાએ માજા મૂકી છે. તેથી આ ગટરની ગંદકીથી સોસાયટીના રહીશોના આરોગ્ય જોખમ ઉભુ થયું છે. આ અંગે સોસાયટીના રહીશ પ્રદ્યુમનસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, મનપામાં આ ગટરની સમસ્યા અંગે રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. દરમિયાન હમણાં જન આંદોલન બાદ કલેકટર અને કમિશનરે દરેક સમસ્યાના ઉકેલ માટે મનપાના કર્મચારીઓના હેલ્પલાઇન નંબર જાહેર કરાયા હતા. એમાં ત્રણ વખત ફોન કરવા છતાં માત્ર વાયદાઓ જ કરવામાં આવે છે. તેથી આવા હેલ્પલાઈન નંબર જાહેર કરવાનો શુ અર્થ ? તેવો સવાલ ઉઠાવી તેમણે તેમની સોસાયટીની ગટરની સમસ્યાના ઉકેલની માંગ કરી છે.