બે જેસીબી વડે કામગીરી શરૂ, ધારાસભ્ય દુર્લભજીભાઈએ કાલે રૂબરૂ આવવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યોમોરબી : મોરબીના રવાપરમાં ખરાબ રોડ, પાણી ભરાવા સહિતના પ્રશ્ને સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે મહાપાલિકાએ બે જેસીબી વડે કામગીરી શરૂ કરતાં સ્થાનિકોએ ચક્કાજામ હટાવ્યો છે. રવાપર ગામના લોકો આજે પાયાના પ્રશ્નોને લઈને રસ્તા ઉપર ઉતર્યા હતા. તેઓએ રવાપર- ઘુનડા રોડ ચક્કાજામ કર્યો હતો. સ્થાનિકોની માંગ હતી કે ધારાસભ્ય અને મહાપાલિકાના અધિકારી આવી રૂબરૂ સમસ્યાઓ સાંભળી કામ શરૂ કરાવે ત્યારબાદ જ ચક્કાજામ હટાવવામાં આવશે. આ દરમિયાન ધારાસભ્ય દુર્લભજીભાઈએ આવતીકાલે સવારે 10 વાગ્યે રવાપર ગામે આવી સ્થાનિકોને રૂબરૂ સાંભળીને તેઓના પ્રશ્નો દૂર કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. આ ઉપરાંત મહાપાલિકાને બે જેસીબી પણ સ્થળ ઉપર પહોંચી ગયા છે. આ જેસીબી વડે રોડના ખાડા અને ગટર માટે કામ શરૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ સ્થાનિકોએ જણાવ્યું કે કામ શરૂ થયું છે હજુ પણ આ પ્રશ્ન દૂર નહિ થાય તો ફરી આંદોલન કરવામાં આવશે.