પુલની મરામત કરવાની માંગ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાની કાર્યપાલ ઈજનેર સમક્ષ લેખિતમાં રજુઆતમોરબી : મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં જામનગર - કચ્છ હાઇવે મચ્છુ નદી ઉપર આવેલ પુલ જર્જરિત હાલતમાં હોય, પુલમાં પાણીનો ભરાવો થતો હોય ત્યારે આ પુલની તાત્કાલિક ધોરણે મરામત કરવા બાબતે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા દ્વારા મોરબી માર્ગ મકાન વિભાગના કાર્યપાલ ઈજનેર સમક્ષ લેખિતમાં રજુઆત કરવામાં આવી. આ રજુઆતમાં જણાવવામાં આવ્યું કે, મોરબી જિલ્લામાં માળીયા તાલુકામાં જામનગર - કચ્છ હાઇવે મચ્છુ નદી ઉપરથી અસંખ્ય લોકો પોતાના નાના - મોટા વાહનો સાથે પસાર થાય છે. હાલમાં આ પુલ જર્જરિત હાલતમાં છે. વરસાદના કારણે આ પુલ ઉપર પાણીનો ભરાવો થાય છે. તેમજ અતિવૃષ્ટીના કારણે મચ્છુ ડેમમાંથી પાણી છોડવામાં આવે ત્યારે પુલ નીચેથી ભારી માત્રામાં પાણીનો પ્રવાહ વહેતો હોય છે. આ પાણીનો પ્રવાહ જોતાની સાથે જ પુલનું પાણીમાં ધોવાણ થવાની દહેશત છે. આ પુલ ઉપરથી નીકળવું તે તલવારની ધાર પર ચાલવા બરાબર છે. આ પુલ ઉપર ભવિષ્યમાં આણંદ - વડોદરાને જોડતા ગંભીર બ્રિજ જેવી દુર્ઘટના ન ઘટે તે માટે તાત્કાલિક ધોરણે આ પુલની સ્થિતિનું નિરીક્ષણ કરી પુલની મરામત કરવા ઘટિત કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.