કમિશનરને લેખિત રજૂઆત કરીને સમસ્યાનું નિરાકરણ લાવવા માગ મોરબી : મોરબીના સામાકાંઠે આવેલી વિદ્યુતનગર સોસાયટીમાં પાણી, રસ્તા અને ગંદકી બાબતે 10 જુલાઈએ રહીશોએ મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરીને સમસ્યાનું નિરાકરણ લાવવા જણાવ્યું હતું.રહીશોએ કમિશનરને જણાવ્યું હતું કે, વિદ્યુતનગર સોસાયટીમાં પાણીનો પ્રશ્ન આજે ઉનાળાની વખતનો સતાવી રહ્યો છે. સોસાયટીના અંદરના રસ્તા પરના કોઈ મકાનમાં પાણી આવતું જ નથી. અમારી સોસાયટીની પાણીની લાઈનમાંથી અન્ય વિસ્તારમાં પાણી આપવામાં આવે છે. જેથી પાણીનો ફોર્સ કપાઈ જાય છે. આ ઉપરાંત પાણીના ટાંકામાંથી આ વિસ્તારની બધી સોસાયટીમાં એક સાથે પાણી છોડવામાં આવે છે અને ક્યાંય વાલ્વ મુકવામાં આવ્યા નથી જેથી અમારી સોસાયટીમાં છેલ્લે આવેલી હોવાથી પાણી ઓછું મળે છે. આ ઉપરાંત અન્ય સોસાયટીઓના કારણે અમારી સોસાયટીમાં ગંદકી પણ થઈ રહી છે. આ વિસ્તારમાં ગેરકાયદેસર ધંધા પણ કેટલાક તત્વો કરી રહ્યા છે. સોસાયટીના ડામર રોડ પણ તૂટી ગયેલી હાલતમાં છે અને ખાડા પડી ગયા છે. સાથે છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઈટ પણ બંધ છે તેથી આ તમામ સમસ્યાઓ તાત્કાલિક ધોરણે હલ કરવામાં આવે નહીંતર ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેમ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.