મોરબી : મોરબીના નવલખી રોડ પર યમુના નગર પાસે આવેલી શ્રદ્ધા પાર્ક સોસાયટીના રહીશોએ આજરોજ મોરબી મહાનગરપાલિકા કચેરીએ કમિશનરને આવેદનપત્ર આપીને રોડ બનાવી આપવા તેમજ સ્ટ્રીટ લાઈટ નાખવા બાબતે રજૂઆત કરી હતી.રજૂઆતમાં જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં કુલ ત્રણ સોસાયટી આવેલી છે જેમાં નીલકંઠ સોસાયટી, શ્રદ્ધા પાર્ક સોસાયટી અને યમુના નગર અને વાડી વિસ્તાર જેવા વિસ્તારનો સમાવેશ થાય છે. આ તમામ સોસાયટી પ્રાથમિક સુવિધાથી વર્ષોથી વંચિત છે. સૌપ્રથમ જે કાચો રસ્તો છે તે ખૂબ જ ખરાબ હાલતમાં છે અને રોડની બંને બાજુ ખુલ્લી કેનાલ આવેલી છે. બીજી તરફ જવા જઈએ તો ગાંડા બાવળનું સામ્રાજ્ય જોવા મળે છે. જેના કારણે ઘણી વખત લોકો કેનાલમાં પડી જતા હોય છે. આ વિસ્તારમાં રોડ પર સ્ટ્રીટ લાઇટો છે પરંતુ સેન્ટમેરી ફાટક થી નવલખી ફાટક સુધી એક પણ સ્ટ્રીટ લાઈટ નથી. નવલખી રોડથી અંદર જતા શ્રદ્ધા પાર્ક અને યમુના નગરને જોડતો રસ્તો છેલ્લા 15 વર્ષથી બિસ્માર હાલતમાં છે. અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી. શ્રદ્ધા પાર્ક અને યમુના નગર બંને સોસાયટીના મુખ્ય રસ્તા પણ ખાડા વાળા છે. શ્રદ્ધાપાર્ક થી કંડલા બાયપાસને જોડતો રસ્તો બે વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો પરંતુ તે પણ તૂટી ગયો છે. અને રાત્રે આ રસ્તા પર અનેક વખત લૂંટના પણ બનાવો બની ચૂક્યા છે. રોડની બંને બાજુ મોટા બાવળ ઉગી ગયા છે જેના કારણે અકસ્માતો પણ થાય છે. જેથી આ સોસાયટીમાં કેનાલ વાળો નવો રોડ બનાવી આપવા તેમજ મેઇન રોડ પર સ્ટ્રીટ લાઈટ નાખી આપવા રહીશોએ માગ કરી છે.