ચેલેન્જ ઝીલવાનો મારો સ્વભાવ, વિસાવદરની એક સીટ આવી તેમાં તો ઉપાડા લીધા છે, હવે ચૂંટણી લડીએ, હારીશ તો તમને રૂ.2 કરોડ પણ આપીશ : ધારાસભ્ય કાંતિલાલે ગોપાલ ઇટાલિયાને આપ્યો વળતો જવાબમોરબી : મોરબીમાં જન આંદોલનને પગલે શરૂ થયેલા રાજકીય ધમાસાણ વચ્ચે ધારાસભ્ય કાંતિલાલ અને ગોપાલ ઇટાલિયા વચ્ચે શાબ્દિક યુદ્ધ જામ્યું છે. ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય કાંતિલાલ સમક્ષ રાજીનામાની માંગ કરી ચૂંટણી લડવાની તૈયારી બતાવી ચેલેન્જ સ્વીકારી હતી. ત્યારે ધારાસભ્ય કાંતિલાલે વળતા જવાબમાં તેઓને પણ રાજીનામુ આપી ચૂંટણી લડવા આવવાનો પડકાર ફેંક્યો છે. આ મામલે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું કે હું રાજકારણમાં 1982થી છું. સેવાકીય પ્રવૃત્તિમાં ચેલેન્જ ઝીલવાનો અને કામ કરવાનો મારો સ્વભાવ છે. છેલ્લા ત્રણથી ચાર દિવસથી મોરબીમાં વરસાદને લઈને જે થયું ત્યારે સોમ-મંગળ હું ગાંધીનગર હતો. મોરબીની પ્રજા સમક્ષ પહેલા હું માફી માંગુ છું. ખાડા, ગટર ઉભરાવવા, પાણી ભરાઈ જવા સહિતના કામ તાત્કાલિક ચાલુ કરી દીધા છે. ગાંધીનગરથી હું જોતો હતો કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા મોરબીની પ્રજાને ઉશ્કેરવાનો ધંધો કરે છે. એક વિસાવદરની સીટ આવી ત્યાં તો ગોપાલભાઈ આવશે, અહીં ગોપાલભાઈ વાળી થશે તેવી વાતો થવા લાગી. ધારાસભ્યએ ઉમેર્યું કે બે વર્ષથી હું જોઉં છું. ગોપાલભાઈ હીરાબા વિશે જેમતેમ બોલ્યા, નરેન્દ્રભાઈ અને અમિતભાઈ વિશે બોલ્યા હતા. તમામ નેતા વિશે બોલે છે. હવે તમે અધ્યક્ષ પાસે આવતા સોમવારે આવો, આપણે બેય રાજીનામું આપી દઈએ. પછી ચૂંટણી આવશે એટલે આપણે બેય મોરબીથી ચૂંટણી લડીશું. આપણા કાર્યકર્તાઓ વિસાવદરથી ચૂંટણી લડશે.1998માં હું મોરબીના યાર્ડ માટે બોલ્યો હતો કે આ જમીન નહિ જવા દવ. મે બોલેલું પાળી જમીન ન જવા દીધી. મોરબીના કાર્યકર્તાઓ ઉપર મને ભરોસો છે તમે આવો અને આમ આદમી પાર્ટીના ભારતના બધા નેતા આવે. આપણે ચૂંટણી લડી લઈએ. જો હું હારીશ તો રૂ.2 કરોડ આપીશ. એક સીટ આવી છે તેમાં તો આમ આદમી પાર્ટીએ આખા દેશમાં ઉપાડો લીધો છે. ગોપાલભાઈ આમ ગોપાલભાઈ તેમ...ગોપાલભાઈ કાંઈ સાવજ થોડા છે.