આશ્રમોમાં ગુરુપૂજન, મહાપ્રસાદ તથા સત્સંગ સહિતના કાર્યક્રમો યોજાયા મોરબી : આજે ગુરુપૂર્ણિમા એટલે કે ગુરુના પૂજનનો પાવન તહેવાર. આ નિમિત્તે આજે 10 જુલાઈના રોજ મોરબીમાં વિવિધ જગ્યાએ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી છે. સવારથી જ મંદિરો અને આશ્રમોમાં ભક્તો ઉમટી પડ્યા હતા અને ગુરુપૂજન, સત્સંગ, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોમાં સહભાગી થઈને ગુરુપૂર્ણિમાની ઉજવણી કરી હતી.કબીરધામ આશ્રમઆજે મોરબી શહેરના કબીરધામ આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમ્યાન આશ્રમના શિવરાજ બાપુએ જણાવ્યું હતું કે, સનાતન સંસ્કૃતિમાં વર્ષની 12 પૂર્ણિમાનું વિશેષ મહત્વ હોય છે. તેમાં આજે અષાઢ સુદ પૂર્ણિમાનું શિષ્યો અને સેવક માટે આજે પાવન દિવસ છે. જેના ભાગરૂપે વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. શાંતિવન આશ્રમ મોરબી આજે મોરબીના શાંતિવન આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાના પાવન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમ્યાન રમેશભાઈ બાબુલાલ પંડ્યા કે જેઓ છેલ્લા 32 વર્ષથી પ.પૂ.કેશવાનંદ બાપુના આ આશ્રમમાં સેવક તરીકે ફરજ બજાવે છે તેમને જણાવ્યું હતું કે, પુરુપૂર્ણિમા એટલે જે ગુરુથી પૂર્ણ કહેવાય. જ્યાં સુધી સદગુરુ પ્રાણ ન ફૂંકે ત્યાં સુધી માણસ જીવનમાં અધુરો હોય છે. ત્યારે આજે આ આશ્રમ ખાતે ધામધૂમથી ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં સવારે 6 કલાકે ગુરુપૂજન, 7:30 કલાકે ગુરુયાગ થાય છે. સાંજે 4 કલાકે સત્યનારાયણ ભગવાનની કથા અને રાત્રી દરમ્યાન સંતવાણીનો કાર્યક્રમ યોજાઈ છે. રામધન આશ્રમ મોરબી મોરબીના રામધન આશ્રમ ખાતે આજે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમ્યાન આશ્રમ ખાતે 1008 મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવીનું સન્માન કરવામાં આવશે. તેમજ કુમારિકા પૂજન, ભુદેવ ભોજનનું આયોજન કરાયું છે. તથા કાલિકાનગર ખાતે સાંજે બટુક ભોજન તથા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. ખોખરા હરિહરધામ મોરબી આજે ખોખરા હનુમાન હરિહરધામ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે આજે પ.પૂ. માં કનકેશ્વરી દેવી મહામંડલેશ્વરનું આજે પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમજ દર વર્ષે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી અને મધ્યપ્રદેશ સરકારના મંત્રી કૈલાશ વિજયવર્ગીય અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, તેમજ વિવિધ જગ્યાએથી મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ માટે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 3 હજારથી વધુ લોકો ભોજનનો લાભ લીધો હતો. નકલંકધામ આશ્રમ બગથળા આજે મોરબીના બગથળા ખાતે આવેલ નકલંકધામમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમ્યાન નકલંકધામ આશ્રમના મહંત દામજી ભગતે જણાવ્યું હતું કે, દર વર્ષે નકલંકધામ ખાતે ગુરુપૂર્ણિમા અવસરની ઉજવણી કરવામાં આવે છે. ભગવાન વેદવ્યાસે જ્યારે પુરાણોની રચનાઓ કરી, વેદોનો વિસ્તાર કર્યો જેના કારણે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ છે. જેને વેદવ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. માણસના જીવનમાં ચાર પ્રકારના ઋણ રહેલા છે. પહેલું માતાનું, બીજું પિતાનું, ત્રીજું ગુરુવરનું તથા ચોથું રાષ્ટ્રનું. ત્યારે આજે મોટી સંખ્યામાં લોકો આશ્રમ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.