ધારાસભ્ય જો સુરા હોય અને જબાનના પાક્કા હોય તો તા.12ના રોજ બપોરે 12 વાગ્યા સુધીમાં રાજીનામુ ધરી દયે, હું ચેલેન્જ સ્વીકારવા તૈયાર : ગોપાલ ઇટાલિયામોરબી : મોરબીમાં ખરાબ રોડ પ્રશ્ને થયેલા જનઆંદોલનમાં હવે નવો રાજકીય વણાંક આવી રહ્યો છે. ગત રાત્રીના ધારાસભ્ય કાંતિલાલે એવું કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયા અહીં ચૂંટણી લડી બતાવે, હું રાજીનામુ ધરી દઈશ અને માથે રૂ.2 કરોડનું ઇનામ આપીશ. હવે ધારાસભ્યની આ ચેલેન્જને ગોપાલ ઇટાલિયાએ સ્વીકારી લીધી છે. ગોપાલ ઇટાલિયાએ વિડીયો જાહેર કરી જણાવ્યું છે કે મોરબીની જનતા જાગૃત થઈ એટલે ધારાસભ્યના પેટમાં નકલી તેલ રડાયું છે. અત્યાર સુધી જનતા અન્યાય, અત્યાચાર, શોષણ અને તાનાશાહી સહન કરી રહી હતી. તો કોઈને તકલીફ ન પડી. જેવું જનતાએ બોલવાનું ચાલુ કર્યું કે રોડ ખરાબ છે, ગટર ખરાબ છે, પાણી ભરાઈ જાય છે, રોડ ઉપર રખડતા ઢોરનો ત્રાસ છે, ટ્રાફિકની સમસ્યા છે. આવી અનેક સમસ્યાઓને લઈને આમ જનતાએ જ્યારે અવાજ ઉઠાવવાનું ચાલુ કર્યું. તો મોરબીના ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાયું છે. 30 વર્ષ સુધી જ્યારે આ જ જનતાએ મત આપ્યા અને ધારાસભ્ય બનાવ્યા તો તમને મજા આવી, ગલીગલીયા થય, ખુશ થયા, પણ હવે એ જ જનતા જો સોસાયટીમાં પાણી ભરાવા મુદ્દે રોડ ઉપર ખાડા મુદ્દે સવાલ કરે છે તો તમને હવે ગમતું નથી. ગોપાલ ઇટાલિયાએ ઉમેર્યું કે ગઈકાલે મોરબીના ભાજપના ધારાસભ્યએ એવું કહ્યું કે ગોપાલ ઇટાલીયામાં હિંમત હોય તો મારી સામે ચૂંટણી લડવા આવી જાય. હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલીયાને બે કરોડ રૂપિયા ઇનામમાં આપીશ. મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જને હું સ્વીકારી લઉં છું. જો તમે સુરા હોય, મરદ માણસ હોય, જબાનના પાક્કા હોય તો તા.12ના રોજ બપોરના 12 વાગ્યા સુધીમાં રાજીનામું આપી દો. તો ગોપાલ ઇટાલીયા વટથી તમારી ચેલેન્જને સ્વીકારે છે. પણ શરત એક જ છે કે મોરબીના ધારાસભ્ય પાટીલ અંકલને પૂછવા ન જાય. પાટીલ અંકલ મારાથી ભૂલથી બોલાઈ ગયું છે, હું રાજીનામું આપું કે ન આપુ ? પ્લીઝ મને માફ કરો એવી વાતો કરવાની નહીં. તમારા પોતાનામાં હિંમત હોય, તમારામાં તાકાત હોય તો રાજીનામું આપી દેજો.અંતમાં ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે તમારે ચેલેન્જ એ આપવી જોઈએ કે, 30 વર્ષ સુધી હું ધારાસભ્ય છું, તો મોરબીમાં આવીને કોઈ ખામી બતાવી દે, પણ તમે એવી ચેલેન્જ મારી ન શક્યા. કારણ કે તમને ખબર છે કામ તો કંઈ કર્યા નથી. લાતી પ્લોટ, પંચાસર રોડ, ઉમિયા સોસાયટી, સરદાર પટેલ સોસાયટી સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. 30 વર્ષથી ધારાસભ્ય હોવા છતાં તમારે મને ચેલેન્જ મારવી પડે છે તે જ તમારી નિષ્ફળતાનો સૌથી મોટો પુરાવો છે.