કોરોનાકાળમાં એક ટાઈમ જ જમી શકાતું, આવી નબળી આર્થિક પરિસ્થિતિ વચ્ચે હિંમત ન હારી સતત મહેનત અને એકાગ્રતાથી મયુર દામાણી સીએની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા : તેમની સિદ્ધિની આ સફર તમામ મોરબીના વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયીમોરબી : સિદ્ધિ એને જઈ વરે જે પરસેવે ન્હાય.. આ કહેવત મોરબીના મયુર દામાણીએ સાર્થક કરી બતાવી છે. તેમના પિતા શાક-પુરીની લારીએ કામ કરતા અને માતા બીજાના ઘરનું કામ કરતા, આવી રીતે ઘરનું ગુજરાન ચાલતું હતું. નબળી આર્થિક પરિસ્થિતિ વચ્ચે સતત મહેનત અને ધ્યેય પ્રત્યેની એકાગ્રતાથી મયુર દામાણીએ સીએની ફાઇનલ પરીક્ષા પાસ કરી લીધી છે.મોરબીના સુરેશભાઈ દામાણી જેઓ પુરી અને શાક-ગાંઠિયાની લારી પર કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. તેઓના પત્ની પુષ્પાબેન દામાણી ઘરે-ઘરે કામ કરીને તેમનો સાથ આપતા હતા. તેમનો પુત્ર મયુર સુરેશભાઈ દામાણી નબળી આર્થીક પરિસ્થિતિ વચ્ચે પણ સમગ્ર પરિવારને શ્રેષ્ઠ જીવન આપવા અભ્યાસમાં તનતોડ મહેનત કરતા હતા. હમણાં જ આવેલા CA ફાઈનલના પરિણામમાં તેઓએ સફળતા મેળવી છે અને તેઓ CA બન્યા છે.મયુર દામાણી જણાવે છે કે ખૂબ સંઘર્ષમય પરિસ્થિતિઓ વચ્ચે મારા માતા-પિતાએ મને ભણાવ્યો અને સપનાં જોવાની હિંમત આપી. 12મુ પાસ થયા પછી મને એક જ લક્ષ્ય હતું કે CA બનવું છે અને મારા માતા-પિતાનું ગૌરવ વધારવુ છે. આ સફર સહેલી નહોતી. ઘણા ઉતાર-ચઢાવ આવ્યા - ખાસ કરીને કોરોના કાળ અને છેલ્લાં છ મહિના અત્યંત કઠિન રહ્યા. કોરોનાના સમયગાળામાં ઘરની આર્થિક સ્થિતિ એટલી નાજુક હતી કે કેટલીકવાર ફક્ત એક ટાંણું જ ખાઈને દિવસ પસાર કરવો પડતો. એ દુઃખના ક્ષણોમાં મેં નક્કી કર્યું કે જે પણ થાય, હવે હું મારી સંપૂર્ણ મહેનતથી CA બનીને જ બતાવું છું.CA ઈન્ટરમીડિયેટ પાસ કર્યા પછી મોરબીની એક જાણીતિ ફર્મમાં આર્ટિકલશિપ શરૂ કરી. સાથે-સાથે ભણતર ચાલુ રાખ્યું અને પપ્પાને ઘર ચલાવવામાં યથાસંભવ મદદ કરતો રહ્યો. છેલ્લાં છ મહિનાથી મમ્મીનું સ્વાસ્થ્ય અત્યંત નાજુક હતું. એ સમયે ભણવામાં ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બન્યું. છતાં પણ મમ્મીએ મને હંમેશાં આશ્વાસન આપ્યું: “તું ફક્ત ભણવામાં ધ્યાન આપ, બાકી બધું ભગવાન પર છોડી દે.” એ શબ્દોએ મને નિષ્ઠાપૂર્વક આગળ વધવાનો સંકેત આપ્યો. મેં MAY 2025 ની પરીક્ષા આપી - અને આજે, વડીલોના આશીર્વાદ અને મારા સંઘર્ષના પરિણામે, હું CA છું. આ સફર મારા માટે માત્ર વ્યાવસાયિક સફળતાની નથી - એ મારા માતા-પિતાના ત્યાગ, આશીર્વાદ અને કપરા સમયમાં લીધેલા નક્કર સંકલ્પની કહાની છે.