મોરબી : મોરબીના રવાપર વિસ્તારના રોડ રસ્તા અને ટ્રાફિક બાબતે તાલુકા પંચાયત મોરબીના સદસ્ય લલીતભાઈ કાસુન્દ્રાએ મોરબી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે અને રોડ રસ્તા અને ટ્રાફિક સમસ્યા બાબતે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે.રજૂઆતમાં જણાવાયું છે કે, રવાપરથી વાંકાનેરને જોડતો સ્ટેટ હાઈવે પર જડેશ્વર મંદિર જેવું મોટું ધાર્મિક સ્થળ આવે છે. આગામી દિવસોમાં શ્રાવણ મહિનો આવી રહ્યો છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો આ રોડનો ઉપયોગ કરશે. રવાપર કેનાલ ચોકડીથી ન્યૂ એરા સ્કૂલ સુધીમાં 50 હજાર જેટલા લોકો વસવાટ કરે છે. તેઓ આ રોડ પરથી આવન-જાવન કરે છે. કેનાલ ચોકડીએ સવાર-સાંજ ખૂબ ટ્રાફિક થાય છે. આ રોડ પર બે-ત્રણ મોટી સ્કૂલ પણ આવેલી છે. ઘણા લોકો પાર્કિંગના અભાવે રોડ પર પાર્કિંગ કરે છે. જેના કારણે ટ્રાફિક થાય છે. હજુ પણ બે-ત્રણ સ્કૂલ બની રહી છે. તો આ વિસ્તારમાં કોની મંજૂરીથી શાળાઓ બની રહી છે ? સરકારના ધારાધોરણ વિરુદ્ધ રોડની ગ્રાન્ટ રાજ્ય સરકારમાંથી મંજૂર થઈ ગઈ છે. તેવી વાત થઈ રહી છે. તો આ બાબતે કલેક્ટર અંગત રસ લઈને તપાસ કરે તેવી વિનંતી છે.