વેટ મિક્ષ નાખી માથે રોડ રોલર ફેરવવું એ ટેમ્પરરી સોલ્યુશન છે, અનેક રોડ મંજુર થઈ ગયા છે, જેના કામો ચોમાસા બાદ શરૂ થશે, તેનાથી તમામ પ્રશ્નોનું કાયમી નિરાકરણ આવશે : મ્યુનિસિપલ કમિશનરમ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેકટરે વિવિધ પ્રશ્ને મોરબી અપડેટ સાથે ખાસ વાતચીત કરીમોરબી : મોરબીમાં ખરાબ રોડ અને પાણી ભરાવા સહિતના પ્રશ્ને જન આંદોલનો થઈ રહ્યા છે. 24 જ કલાકમાં ત્રણ જગ્યાએ ચક્કજામના કાર્યક્રમો થયા છે. તેવામાં લોકોની હાલાકી જોઈ તંત્ર પણ સંપૂર્ણ રીતે હરકતમાં આવી ગયું છે. ત્યારે જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરે મોરબી અપડેટ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે અમે લોકોની હાલાકી દૂર કરવાની ખાતરી આપીએ છીએ સાથે જ શોર્ટ ટર્મના પ્રશ્નોનો 72 કલાકમાં જ નિવેડો લાવવાનું કહ્યું છે. જિલ્લા કલેકટર અને મહાપાલિકાના વહીવટદાર કે.બી.ઝવેરીએ મોરબી અપડેટ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે ઘણા બધા રસ્તામાં ખાડાઓ છે જેને કારણે શહેરીજનોને તકલીફ પડી રહી છે. અમે કોર્પોરેશનમાં વોર્ડ વાઇઝ અધિકારીની નિમણુંક કરી છે. તેમના ઉપર સુપરવાઈઝરની નિમણુંક કરી છે. નાગરિકોએ આ અધિકારીને પ્રશ્ન તાત્કાલિક લખાવી દેવો. ચક્કાજામ કર્યા વગર જ આપના પ્રશ્નનું નિરાકરણ આવશે. શોર્ટ ટર્મ પ્રશ્નોનો 72 કલાકમાં જ ઉકેલ લાવવામાં આવશે. તેઓએ ઉમેર્યું કે મહાપાલિકાને 6 મહિના જેટલો સમય થયો છે. સરકાર તરફથી ફંડની કોઈ કમી નથી. ડીપીઆર બનાવી દીધા છે. ટેન્ડર પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. ઘણા વર્ક ઓર્ડર પણ અપાઈ ગયા છે. ફાયરબ્રિગેડના નવા વાહન આવી ગયા છે. જેટિંગ મશીન આવી ગયા છે. આમ મહાપાલિકાથી ફેરફાર આવ્યા છે. હાલ જ્યાં ખાડા છે, પાણી ભરાયા છે ત્યાં લોકોની તકલીફો દૂર કરવા તમામ પ્રયાસ કરી રહ્યા છીએ. પ્રજાના પ્રશ્નો અમારા પ્રશ્નો છે. મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે પણ મોરબી અપડેટ સાથેની ચર્ચામાં જણાવ્યું કે રોડમાં પડેલા ખાડા બુરવાની કામગીરી છે. તે ત્યારે શક્ય બને છે જ્યારે વરસાદ ન હોય, પણ છેલ્લા ઘણા દિવસોથી દિવસમાં એક વખત વરસાદ આવી જાય છે. જેના લીધે 4થી 5 દિવસથી ખાડા બુરવાની કામગીરી થઈ શકી નથી. ગઈકાલે સાંજે નાની કેનાલ રોડ, ત્રાજપર, આસ્વાદ પાન પાસેના રોડ ઉપર વેટ મિક્ષ પાથરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આમ વરસાદે વિરામ લેતા ખાડા બુરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. અમે દરેક વિસ્તારના અધિકારીના નંબર જાહેર કર્યા છે. તેની ઉપર એક સુપરવાઈઝર છે. તમામ અધિકારી લોકોના ફોન ઉપાડશે. તેમને મળતી ફરિયાદ ઉપર સતત અમારું નિરીક્ષણ રહેશે. વધુમાં મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે દરેક પ્રશ્નનું અલગ સોલ્યુશન હોય છે. ઉદાહરણ તરીકે કોઈ જગ્યાએ ગટર ઉભરાતી હોય તો જેટિંગ મશીન મોકલી ફરિયાદ દૂર કરીએ છીએ. પરંતુ જો આવા કેસમાં આખી લાઈન બ્લોક હોય તો કામ થવામાં મોડું થાય છે. હાલ અમે પહેલા કામમાં મુખ્ય રોડને કવર કરીએ છીએ. પછી આંતરિક રોડ લેશું. અત્યારની કામગીરી ટેમ્પરરી સોલ્યુશન છે. વેટમિક્ષ પાથરી રોડ રોલર ફેરવીએ છીએ. પણ વધારે વરસાદ આવશે તો તેમાં પણ પ્રશ્ન સર્જાવાની શકયતા છે. કાયમી સોલ્યુશન નવા રોડ છે. વરસાદ પછી નવા રોડ ચાલુ કરીશું. ગઈકાલે જ્યાં પ્રશ્ન સર્જાયો હતો તે નાની કેનાલ રોડ મંજુર થઈ ગયો છે. કન્યા છાત્રાલય રોડ પણ મંજુર થઈ ગયો છે. ત્યાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ છે. નવા રોડમાં સ્ટ્રોમ વોટર નખાશે એટલે તે પ્રશ્ન પણ સોલ્વ થઈ જશે. આલાપ રોડને રૂ.15 કરોડના ખર્ચે આઇકોનીક રોડ બનાવવાની દરખાસ્ત સરકારમાં કરી દેવાય છે. તે પણ ટૂંક સમયમાં મંજુર થઈ જશે.વિજય ટોકીઝ વાળા રોડનું કામ ચોમાસા દરમિયાન કેમ શરૂ કરવામાં આવ્યું તે પ્રશ્નના જવાબમાં મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે વિજય ટોકીઝના રોડનો પેચ નાનો હતો. એ રોડ સીસી રોડ છે. સીસી રોડ ચોમાસામાં કરી શકીએ છીએ. આ રોડ થોડા સમય માટે ચોમાસામાં બંધ કરી શકાય તેમ હતો. જેથી અત્યારે તેનું કામ હાથ ઉપર લેવામાં આવ્યું છે. ગઈકાલે તેની વિઝિટ કરી હતી. આ રોડ શક્ય તેટલો વહેલો પૂર્ણ કરી શરૂ કરી દેવામાં આવશે.