18 સોસાયટીને જોડતો રોડ અતિ બિસ્માર હાલતમાં : મ્યુનિસિપલ કમિશનરે રાત્રે અધિકારીઓને દોડાવ્યા, બાદમાં બપોરે સ્થાનિકોને રૂબરી મળીને સાંભળ્યામોરબી : મોરબીમાં કન્યા છાત્રાલય રોડના રહીશો અને લાતી પ્લોટના વેપારીઓએ બિસ્માર રોડના પ્રશ્ને સફળ જન આંદોલન કર્યા બાદ આજે સાંજથી આલાપ રોડ ઉપર પણ ખરાબ રોડના પ્રશ્ને આંદોલન શરૂ થવાનું હતું. જેમાં સ્થાનિકોએ ચક્કજામની ચીમકી ઉચ્ચારી હતી. પરંતુ મહાપાલિકા દ્વારા રસ્તાનું કામ શરૂ દેવામાં આવતા આ ચક્કાજામ મોકૂફ રાખવામાં આવ્યું છે.આ મામલે સ્થાનિકોએ જણાવ્યું હતું કે મોરબીમાં આલાપ સોસાયટીથી એસપી રોડને જોડતો રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. આ મામલે રજૂઆતો કરી પરંતુ તંત્ર દ્વારા કોઇ કામગીરી કરવામાં આવી નથી. જેથી મહાપાલિકાને આવતીકાલે બુધવારે 5 વાગ્યા સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવે છે. જો ત્યાં સુધીમાં રોડ રીપેરીંગ કરવાનું કામ શરૂ કરવામાં નહિ આવે તો ચક્કાજામ કરવામાં આવશે. આ ચક્કજામમાં નંદનવન, ગજાનંદ, આરાધના, સતાધાર, હરિહર નગર, આલાપ પાર્ક, ખોડિયારનગર, પટેલ નગર, કર્મભૂમિ, અંજલિ પાર્ક, નવજીવન, સૂર્યકીર્તિ, મધુવન, રામદેવ સહિતની ૧૮ જેટલી સોસાયટીઓના રહીશો જોડાશે.આ ચીમકીને પગલે રાત્રે જ મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓને દોડાવ્યા હતા. બાદમાં આજે. બપોરે મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓએ સ્થળ ઉપર જઈ સ્થાનિકોને સાંભળ્યા હતા. અધિકારીઓએ કામ શરૂ કરી દેવાની ખાતરી આપતા સ્થાનિકોએ ચક્કાજામ કરવાનો કાર્યક્રમ મોકૂફ જાહેર કર્યો છે.આ મામલે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે આલાપ રોડને આઇકોનીક રોડ તરીકે વિકસાવવાની દરખાસ્ત સરકારમાં મોકલી છે. જે ટૂંક સમયમાં મંજુર થયા બાદ આ વર્ષના અંત સુધીમાં કામ શરૂ કરી દેવાશે. હાલ આ રસ્તો કાયમી નથી પણ લોકોની અવર જવર હોય, કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. સ્થાનિકોએ જણાવ્યું કે કામ શરૂ કરી દેવામાં આવ્યું છે જે બદલ મ્યુનિસિપલ કમિશનરનો આભાર. હવે સાંજે એકત્ર થઈ કામ ચાલુ હશે તો તંત્રને મદદરૂપ થશું. જો કામ પૂરું કરવામાં નહિ આવે તો આગળની રણનીતી ઘડીશું.ઉલ્લેખનીય છે કે હાલ પાલિકાના પૂર્વ પ્રમુખ કેતન વિલપરા સહિતના આગેવાનો ત્યાં અહીં કામગીરી કરાવી રહ્યા છે.