મોરબી : રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-2024 અન્વયે તા. 8-7-2025ના રોજ મોરબી જિલ્લામા ધી વી.સી.ટેક.હાઇસ્કૂલ ખાતે નિમણૂક હુકમ એનાયત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લામાં સંપૂર્ણ ઓનલાઈન પ્રક્રિયાથી શાળા પસંદગી કરેલ 17 જેટલા નવનિયુક્ત બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. મેરીટ આધારિત આ ભરતીમાં 18માંથી 17 શિક્ષકો હાજર થતા આ શિક્ષકોને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આવકારવામાં આવ્યા હતા અને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.નિમણૂક પત્ર એનાયત કરવાના આ કાર્યક્રમમાં જુદી જુદી શાળાઓના ટ્રસ્ટીઓ, આચાર્યો, આચાર્ય સંધના પ્રમુખ તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો સ્ટાફ હાજર રહ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતાએ નવનિયુક્ત શિક્ષકોને સતત શીખતા રહેવાની અને શાળાઓ અને વિદ્યાર્થીઓના વિકાસમાં પોતાની આવડતનો ઉપયોગ કરવા તેમજ બોર્ડના પરીણામોમાં વિજ્ઞાન પ્રવાહમાં જેમ સામાન્ય પ્રવાહમાં પણ મોરબીને નંબર 1 બનાવવાની શક્ય તમામ પ્રયત્નો કરવા શિક્ષકોને અનુરોધ કર્યો હતો. શાળાઓના ટ્રસ્ટીઓ અને આચાર્ય સંધના પ્રમુખ દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામા આવ્યું હતું. નવનિયુક્ત શિક્ષક દ્વારા પણ તેમના પ્રતિભાવ જણાવવામા આવ્યા હતા. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન એજ્યુકેશન ઈન્સ્પેકટર પ્રવીણભાઈ અંબારીયાએ કર્યું હતું.