જે વિસ્તારના પ્રશ્નો હોય ત્યાંના સ્થાનિકોને પણ આ લડતમાં જોડાવા શહેર કોંગ્રેસ પ્રમુખનું આહવાનમોરબી : મોરબીમાં હાલ રોડ-રસ્તા સહિતની પાયાની સુવિધાઓ માટે જનઆંદોલનની મોસમ ખીલી હોય તેમ લોકો પોતાના હક્કની સુવિધાઓ માટે રસ્તા ઉપર ઉતરી રહ્યા છે. તેવામાં કોંગ્રેસે પણ આગામી સોમવારે મહાપાલિકા કચેરીનો ઘેરાવ કરવાનું એલાન આપી સ્થાનિકોને પણ તેમાં જોડાવા આહવાન કર્યું છે. આ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે મોરબીના લાતી પ્લોટ, આલાપ રોડ, શ્રી કુંજ સોસાયટી, મહેન્દ્રનગર, ઇન્દીરાનગર, એલઇ કોલેજ રોડ આવા મુખ્ય રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. લોકોનો આત્મા જાગ્યો હોય લોકો રસ્તા ઉપર આવી ગયા છે. રોડ ઉપર મોરમ નાખી હાલ કામ થઈ રહ્યું છે પણ બે ઇંચ વરસાદમાં બધું ફરી ધોવાઈ જશે. મોરબીની જનતા કરોડોનો ટેક્સ આપે છે. ત્યારે પ્રાથમિક સુવિધાઓ આપવામાં મહાપાલિકા નિષ્ફળ નીવડી છે. પ્રજાના હક્ક માટે કોંગ્રેસ લડાઈનું મંડાણ કરી રહી છે. હવે શહેરના પ્રાણ પ્રશ્નોને લઈને સોમવારે કોંગ્રેસ દ્વારા મહાપાલિકા કચેરીનો ઘેરાવનો કાર્યક્રમ કરવામાં આવશે. આ માટે સવારે 11 કલાકે ગાંધી ચોક ખાતે ભેગા થવાનું રહેશે. જે વિસ્તારમાં પ્રશ્નો હોય ત્યાંના સ્થાનિકો પણ આ કાર્યક્રમમાં જોડાઈ તે માટે આહવાન છે.