24 કલાકમાં શહેરમાં ત્રીજો ચક્કાજામ : પંચાસર રોડના સ્થાનિકો દ્વારા ખરાબ રોડ અને લાઈટના પ્રશ્ને અધિકારીઓને ઉગ્ર રજુઆતમોરબી : મોરબીમાં ખરાબ રોડ સહિતના પ્રશ્ને પંચાસર રોડના સ્થાનિકો દ્વારા પંચાસર ચોકડીએ ચક્કાજામ કરવામાં આવ્યો છે. ત્યારે સ્થાનિકોને સાંભળવા માટે ડેપ્યુટી કમિશનર પહોંચ્યા છે. હાલ સ્થાનિકો દ્વારા ઉગ્ર રજૂઆતો કરવામાં આવી રહી છે. પંચાસર રોડની હાલત અત્યારે બદતર છે. ચોમાસામાં પાણી ભરાય છે. પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી. ઉપરાંત રોડ ઉપર ખાડાઓ છે. સાથે લાઈટ પણ બંધ હાલતમાં છે. જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આજે સ્થાનિકોએ સ્વેચ્છાએ રોડ ઉપર ઉતરીને પંચાસર ચોકડીએ ચક્કાજામ કર્યો છે. આ ચક્કાજામને પગલે ડેપ્યુટી કમિશનર સંજય સોની સ્થળ ઉપર પહોંચ્યા છે. તેઓ સ્થાનિકોને સાંભળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં આ ત્રીજો ચક્કાજામ છે. ગઈકાલે સાંજે કન્યા છાત્રાલય રોડના સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. ત્યારબાદ લાતી પ્લોટના વેપારીઓએ ચક્કાજામ કર્યો હતો. હવે પંચાસર રોડના સ્થાનિકોએ ચક્કાજામ કર્યો છે.