માત્ર ડિવાઈડર વચ્ચે વૃક્ષો વાવ્યા તેમાં પણ કોઈ આડસ ન મુકાતા રોપા પશુઓ ખાઈ જતા ખાલી ઠુઠા જ વધ્યા મોરબી : મોરબીમાં વાવડી રોડને રૂ.1 કરોડના ખર્ચે આઈકોનિક રોડ બનાવવાના કામનું 6 મહિના પૂર્વે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમ છતાં હજુ સુધી કોઈ કામગીરી કરવામાં ન આવતા કોંગ્રેસ દ્વારા આજે વાવડી રોડ ઉપર પોલ ખોલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે મોરબી મ્યુનિસિપલ કમિશનર અને મોરબીની ડિઝાઇન બદલવાની વાત કરતા ધારાસભ્યએ આ રોડને આઇકોનીક રોડ બનાવવાનું ખાતમુહૂર્ત કર્યું હતું. ખાતમુહૂર્તને 6 મહિના થયા છતાં કોઈ કામગીરી શરૂ કરવામાં આવી નથી. આ રોડ ઉપર કચરો, કાદવ અને વરસાદમાં પાણી છે. મોરબીની જનતાને મૂર્ખ ન સમજો, તમારી જ ભાષામાં જવાબ આપવામાં પ્રજા થનગની રહી છે. આજે કોંગ્રેસની ટીમે પોલ ખોલ કાર્યક્રમ યોજી વાવડી રોડના સ્થાનિકોને મળી પ્રશ્ન ઉજાગર કર્યો છે.જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જણાવ્યું કે 25 વર્ષથી ધારાસભ્યએ કઈ કર્યું નથી. નરેન્દ્રભાઈની વાહ વાહ કરવાને બદલે રોડ રસ્તા, ગટર જેવા પ્રશ્નો છે તેને દૂર કરવા જોઇએ. ઉલ્લેખનીય છે કે આઇકોનીક રોડના નામે તંત્રએ અત્યાર સુધીમાં માત્ર ડિવાઈડર વચ્ચે વૃક્ષો એક અઠવાડિયા પહેલા જ વાવ્યા હતા. પણ ફરતે કોઈ પીંજરું કે આડસ મૂકી ન હોવાથી વૃક્ષોના પાન પશુઓ ખાઈ ગયા છે. હાલ માત્ર અહીં ઠુંઠા જ વધ્યા છે.