રહીશોએ બિસ્માર રોડના પ્રશ્ને સાંજે ચક્કાજામ કરતા મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતોમોરબી : મોરબીમાં કન્યા છાત્રાલય રોડની ખરાબ હાલતને લઈને રહીશોએ ચક્કાજામ કરતા મહાપાલિકાએ તાબડતોબ ખાડા બુરવાનું કામ શરૂ કરાવ્યું હતું. આ ઘટના બાદ રાત્રીના સમયે મ્યુનિસિપલ કમિશનરે આ બિસ્માર રોડની મુલાકાત લઈને સ્થાનિકોને સાંભળ્યા હતા. મોરબીના કન્યા છાત્રાલય રોડ છેલ્લા ઘણા સમયથી ખરાબ હાલતમાં હોવાથી ત્યાંની આજુબાજુની સોસાયટીના રહીશોને ભારે હાલાકી પડી રહી હતી. પરિણામે તેઓએ રોષે ભરાઈને આજે બે કલાક જેટલો સમય શનાળા રોડ ઉપર ચક્કાજામ કર્યો હતો. આ વેળાએ તેઓએ મ્યુનિસિપલ કમિશનર આવી રોડનું કામ શરૂ કરાવે તેવી માંગ કરી હતી. જો કે ત્યારે ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ આવીને ખાડા બુરવાનું કામ શરૂ કરાવી મામલો થાળે પાડ્યો હતો. ત્યારબાદ અત્યારે રાત્રીના સમયે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ કન્યા છાત્રાલય રોડની મુલાકાત લીધી હતી. આ વેળાએ ડેપ્યુટી કમિશનર સંજય સોની સહિતના અધિકારીઓ પણ સાથે રહ્યા હતા. મ્યુનિસિપલ કમિશનરે રોડની હાલતનું નિરીક્ષણ કર્યું હતું. સ્થાનિકોને સાંભળ્યા હતા. આ સાથે અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપી હતી.