કન્યા છાત્રાલય રોડની સોસાયટીના રહીશો ખરાબ રોડને કારણે રોષે ભરાયા : પોલીસે સમજાવાનો પ્રયાસો હાથ ધર્યા, પણ સ્થાનિકો મક્કમ મોરબી : મોરબીના કન્યા છાત્રાલય રોડની હાલતને કારણે રોષે ભરાયેલા સ્થાનિકોએ મોટી સંખ્યામાં રસ્તા ઉપર ઉતરીને શનાળા રોડ ઉપર ચક્કાજામ કર્યો છે. જેને કારણે લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે. હવે ધારાસભ્ય અને કમિશનર આવશે. ત્યારબાદ જ તેઓ રોડ ઉપરથી ઉભા થશે તેવું સ્થાનિકોએ એલાન કર્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના કન્યા છાત્રાલય રોડ તેમજ આજુબાજુની સોસાયટીઓમાં રસ્તાની હાલત અતિ બિસ્માર હોય છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા હતા. બાદમાં આજે રોષે ભરાયેલા સ્થાનિકો રોડ ઉપર ઉતરી આવ્યા છે. મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ શનાળા રોડ ઉપર શનાળા પોલીસ ચોકી પાસે જ ચક્કાજામ કર્યો છે. સ્થાનિકો અહીં રોડ ઉપર જ બેસી ગયા છે. હાલ રોડ ઉપર બંને તરફ અંદાજે એક- એક કિલોમીટર લાંબી લાઈનો લાગી છે. અહીં તમામ વાહનોના થપ્પા લાગ્યા છે. સ્થાનિક લોકોએ એલાન કર્યું છે કે હવે જ્યાં સુધી ધારાસભ્ય અને મ્યુનિસિપલ કમિશનર અહીં આવીને રોડનું કામ શરૂ નહીં કરાવે, ત્યાં સુધી તેઓ અહીં જ બેઠા રહેશે અને ચક્કાજામ યથાવત રહેશે. બીજી તરફ પોલીસ દ્વારા સ્થાનિકોને સમજાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પરંતુ સ્થાનિકો મક્કમ છે કે ધારાસભ્ય અને મ્યુનિ. કમિશનર આવશે ત્યારબાદ જ તેઓ ઉભા થશે.