જ્યાં સુધી કામ શરૂ નહીં થાય ત્યાં સુધી અધિકારીઓને નહિ જવા દેવા અને ચક્કાજામ નહિ હટાવવાનું સ્થાનિકોનું એલાનમોરબી : મોરબીમાં શનાળા રોડ ઉપર ચક્કાજામ સર્જાયા બાદ ત્યાં પહોંચેલા ડેપ્યુટી કમિશનરને સ્થાનિકોએ ખખડધજ કન્યા છાત્રાલય રોડ ઉપર ચલાવીને તેની હાલત દેખાડી હતી. આ સાથે સ્થાનિકોએ જ્યાં સુધી કામ ચાલુ નહિ થાય ત્યાં સુધી ચક્કાજામ નહિ હટાવવાનો અને ડેપ્યુટી કમિશનરને હાજર રહેવાનું જણાવ્યું છે.મોરબીના કન્યા છાત્રાલય રોડની અતિ ખરાબ હાલતને કારણે વિફરેલા સ્થાનિકોએ આજે શનાળા રોડ ઉપર સાંજે અંદાજે એક કલાક સુધી ચક્કાજામ કર્યા બાદ ડેપ્યુટી કમિશનર સંજય સોની ત્યાં મામલો થાળે પાડવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન સ્થાનિકોએ ડેપ્યુટી કમિશનર સંજય સોનીને ખખડધજ એવા કન્યા છાત્રાલય રોડ ઉપર ચલાવીને રોડની હાલત દેખાડી હતી. આ રોડ ઉપર ઠેક-ઠેકાણે ખાડા હતા. વરસાદ પડતા જ તેમાં પાણી ભરાતાં હોય, આ પાણી ભરેલા ખાડામાં ડેપ્યુટી કમિશનર સંજય સોની પણ ચાલ્યા હતા. વધુમાં સ્થાનિકોએ આ વિસ્તારની તમામ હાલાકી વર્ણવી હતી. આ મામલે ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું કે આજથી જ ખાડા બુરવા માટે મેટલિંગ કામ શરૂ કરવામાં આવશે. આ વેળાએ અડધા લોકોએ ચક્કાજામ યથાવત રાખ્યો હતો. અને અડધા લોકો ડેપ્યુટી કમિશનર સાથે ગયા હતા. લોકોએ જ્યાં સુધી રોડનું કામ શરૂ કરવામાં ન આવે ત્યાં સુધી ચક્કાજામ યથાવત રાખીને ડેપ્યુટી કમિશનરને સ્થળ પર હાજર રાખવાની માંગણી કરી હતી.