કન્યા છાત્રાલય રોડની બિસ્માર હાલતને પગલે ચક્કાજામ કરનાર સ્થાનિકો મક્કમ : ચક્કાજામ કરનાર લોકોએ ટ્રાફિકમાં ફસાયેલી બસમાં બેઠેલા બાળકોને નાસ્તાના પેકેટ આપી માનવતા દેખાડીમોરબી : મોરબીના કન્યા છાત્રાલય રોડની બિસ્માર હાલત ને કારણે શનાળા રોડ ઉપર શરૂ થયેલું ચક્કાજામ ભયાનક સ્થિતિમાં પહોંચી રહ્યું છે. શનાળા રોડ ઉપર અંદાજે ત્રણ કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. બીજી તરફ એ ડિવિઝન પોલીસે પણ મોટી સંખ્યામાં જવાનોનો કાફલો ખડકી દીધો છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના કન્યા છાત્રાલય રોડની ખરાબ હાલતને કારણે સ્થાનિકોએ આજ રોજ સાંજે 5:00 વાગ્યાથી શનાળા રોડ ઉપર ચક્કાજામ કરી દીધો છે. સ્થાનિકો અહીં રોડ ઉપર બેસી ગયા છે અને જ્યાં સુધી ધારાસભ્ય તથા મ્યુનિસિપલ કમિશનર આવી રોડનું કામ શરૂ નહીં કરાવે, ત્યાં સુધી તેઓ અહીંથી હટશે નહીં તેવું એલાન આપી દીધું છે. સ્થાનિકો પોતાની માંગને લઈને મક્કમ દેખાય રહ્યા છે તો બીજી તરફ અહીં ત્રણ કિમી જેટલો લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. બનાવની ગંભીરતા ધ્યાને લઈ એ ડિવિઝન અને બી ડિવિઝન પીઆઇ, છ પીએસઆઇ અને 40 થી વધુનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે ચક્કાજામને કારણે ત્રણ કિમી સુધી વાહનોની લાંબી કતારો જામી છે. તેવામાં અનેક વાહન ચાલકો અહીં ફસાતા અકળાઈ ઉઠ્યા છે. આ દરમિયાન એક બસ ટ્રાફિક જામમાં ફસાઈ છે. જેમાં બાળકો હોય, આ દરમિયાન ચક્કાજામ કરનાર લોકોએ બાળકોને નાસ્તાના પેકેટ આપી માનવતા દેખાડી હતી.