સામાન્ય બાબતમાં પાસા હેઠળ કાર્યવાહી રાજકીય ઈશારે કિન્નાખોરી પૂર્વક કરવામાં આવેલ ષડયંત્ર હોવાના આક્ષેપમોરબી : ક્ષત્રિય સમાજના પ્રતિષ્ઠિત આગેવાન પી.ટી.જાડેજા સામે થયેલ પાસાની કાર્યવાહીના વિરોધમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંધ-મોરબી, મોરબી જીલ્લા રાજપૂત સમાજ અને મોરબી જિલ્લા રાજપૂત કરણી સેના દ્વારા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું છે. આવેદનમાં જણાવાયુ હતું કે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પી.ટી. જાડેજાની ગત તા.4ના રોજ સામાન્ય એવા બનાવમાં કોઈ જ પ્રકારની જાણ વગર રાત્રીના સમયે અટક કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પરીવારના સભ્યો દ્વારા પુછવામાં આવતા કોઈ જ સવાલોના જવાબ પોલીસ દ્વારા આપવામાં આવ્યા નથી. કયા ગુના સબબ આ અટકાયત કરવામાં આવે છે. તેની પણ કોઈ ને જાણ કરવામાં આવી નથી. પોલીસ સ્ટેશન લઈ જઈ સામાન્ય પ્રકારના જામીન લાયક ગુનામાં પાસા જેવા ગંભીર કાયદાની કલમો હેઠળ કલમો રજીસ્ટર કરવામાં આવે તે શંકા ઉપજાવે છે. કે આ કોઈ રાજકીય ઈશારે કિન્નાખોરી પૂર્વક કરવામાં આવેલ છે.સામાન્ય રીતે ખુબ જ ગંભીર પ્રકારના અનેક ગુનાઓ આચરનાર વિરૂધ્ધ પાસાની કલમોનો ઉપયોગ થતો હોય છે. પરંત પી.ટી. જાડેજા વિરૂધ્ધ આવા કોઈ ગંભીર પ્રકારનો કેસ ન હોવા છતા શા માટે ખોટી રીતે અન્યાયકારી વલણ અપનાવામા આવેલ છે. તે પોલીસ અને પ્રશાસન સામે શંકા ઉપજાવે છે.સમગ્ર ગુજરાત રાજ્યના રાજપુત સમાજ આ અન્યાયકારી બાબતની વિરુધ્ધ પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવે છે. અને ઘટના ને સખત શબ્દોમાં વખોડી કાઢે છે. પી.ટી.જાડેજા અમરનાથ મંદિરના ટ્રસ્ટી અને પ્રમુખ છે. તેમણે લોકોની માંગણીને ધ્યાને લઈ અમુક તકવાદી તત્વોને રોકવાનો પ્રયાસ કરેલ છે. જે તેની ફરજ પણ હતી. આવી નાની બાબતને મોટું સ્વરૂપ આપી પી.ટી.જાડેજાની સામાજીક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા અને તેને નીચા દેખાડવાનો આ હીન પ્રયાસ છે. જો આ મામલે યોગ્ય ન્યાય નહિ મળે તો સમગ્ર ગુજરાત રાજ્યનો રાજપૂત સમાજ ન્યાયોચિત લડાઈ કરશે.