આંગણવાડી વર્કરો પહેલેથી જ કામના દબાણ હેઠળ, તેવામાં વધારાની ફરજ સોંપવાથી કુપોષિત બાળકો ઉપર અવળી અસર થવાની ભીતિમોરબી : આંગણવાડી વર્કરોને બીએલઓની કામગીરી ન સોંપવામાં આવે તેવી માંગ સાથે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા કલેકટરને આવેદન આપવામાં આવ્યું છે. જેમાં જણાવાયુ છે કે બીએલઓની કામગીરી સોંપવાથી કુપોષિત બાળકો ઉપર અવળી અસર થાય એમ છે.આવેદનમાં જણાવાયુ હતું કે આંગણવાડી વર્કર તથા હેલ્પરો હાલમાં વધારાની કામગીરીના બોજ તળે મુશ્કેલીનો સામનો કરી રહેલ છે. આ કર્મચારીઓ કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના અનેક પ્રકારના મોબાઈલ એપ્લિકેશનથી નિયમ મુજબના કલાકો કરતા પણ મોડી માંજ સુધી કામગીરી કરે છે. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના તાબા તળે હજારોની સંખ્યામાં સરકારી નોકરીયાતો પ્રાપ્ત હોવા છતા આંગણવાડી વર્કરોને ચૂંટણીની બીએલઓ તરીકેની કામગીરી જિલ્લાઓમાં આપવામાં આવી રહી છે. આ બહેનો ચૂંટણીના દિવસે મતદાન મથકે તો શ્રમ કરે જ છે પરંતુ બીએલઓની કામગીરી લાંબા સમય સુધી કરી શકે તેવી હાલતમાં જ નથી. એક તરફથી કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને સ્થાનિક અધિકારીઓ ફરજિયાત રીતે પોષણ આહાર આપવાનું, મોબાઈલ ડેટા એન્ટ્રી નાખવાનું, પીએચઆર વિતરણ કરવાનું, સો ટકા કામગીરી કરવા માટેનું સતત દખાણ કરી રહ્યા છે ત્યારે આ વધારાની બીએલઓ તરીકેની કામગીરી કરવી શક્ય જ ન બની શકે.બાળકો માતાઓ અને કુપોષણ ક્ષેત્રને પ્રાથમિકતા આપવી ખૂબ જ જરૂરી હોવાને કારણે નામદાર કોર્ટોએ તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પણ આઇસીડીએસ સિવાયની કોઈપણ કામગીરી સોંપવામાં ન આવે તેવા પ્રકારના આદેશો તથા પરિપત્રો કર્યા છે. જેથી બીએલઓની કામગીરી સોંપવામાં ન આવે તેવી માંગ છે.