રસ્તામાં ભરતી-મુરમ ભરવા તેમજ જંતુનાશક દવાનો છંટકાવ કરવા કમિશનરને રજૂઆત મોરબી : મોરબીના વોર્ડ નં. 12માં આવેલ તેજાણીની વાડી વિસ્તારમાં પાણીની પાઈપ લાઈન તેમજ ભૂગર્ભ ગટર લાઈન નાખવાની કામગીરીના કારણે ખરાબ થયેલા રસ્તામાં ભરતી-મુરમ ભરવા તેમજ જંતુનાશક દવાનો છંટકાવ કરવા અંગેની માંગ સાથે તેજાણીની વાડી વિસ્તારના રહીશો દ્વારા મોરબી મહાનગર પાલિકા કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબી નગરપાલિકાના વોર્ડ નં. 12માં આવેલ તેજાણીની વાડી વિસ્તારમાં હાલ પાણીની પાઈપ લાઈન તેમજ ભૂગર્ભ ગટર લાઈન નાખવાની કામગીરી થયેલ છે. જેના લીધે રસ્તાઓ તોડી નાખવામાં આવ્યા છે. જેથી હાલ પડેલા વરસાદના કારણે આ વિસ્તારમાં ગાળા કિચડનું સામ્રાજ્ય સર્જાયું છે. જેના કારણે રસ્તામાં ચાલીને નીકળવું શક્ય નથી. તેમજ વાહન ચલાવવામાં મુશ્કેલી થાય છે. અને વરસાદી પાણીને કારણે બીમારી - માંદગીનું જોખમ પણ ઉભું થાય તેવા સંજોગો છે. ત્યારે તાત્કાલિક ધોરણે ભરતી - મુરમની સગવડ કરી રસ્તામાં નાખવા તેમજ જંતુનાશક દવાનો છંટકાવ કરવાની માંગ કરવામાં આવી છે.