ઢોર પકડવાની કામગીરી સામે માલધારીઓનો વિરોધ, મહાપાલિકાની ટિમો આખલાને પકડવાને બદલે માત્ર માલધારીઓના પશુઓને જ પકડતી હોવાના આક્ષેપમોરબી : મોરબીમાં ઢોર પકડવાની કામગીરીના વિરોધમાં માલધારી સમાજના લોકોએ મોટી સંખ્યામાં કલેકટર કચેરીએ ઉમટી પડી જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે માલધારીઓના વાડા મંજુર કરી આપો, અથવા ઢોર પકડ કામગીરી બંધ કરો. વધુમાં એવો આક્ષેપ કર્યો હતો કે મહાપાલિકાની ટિમો આખલાને પકડવાને બદલે માત્ર માલધારીઓના પશુઓને જ પકડે છે.આવેદનમાં રામજીભાઈ રબારીએ મોરબી શહેરમાં વસતા માલધારી જે છેલ્લા ઘણા વર્ષો થયા મોરબી શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરે છે અને માલઢોર રાખી પોતાનું ગુજરાન ચલાવે છે. મહાપાલીકા બન્યા પછી તેમજ રાજય સરકાર દ્વારા જે પશુપાલક છે તેને પશુ અંગે લાયસન્સ લેવું ફરજીયાત છે તેવું જણાવાયુ છે. પરંતુ લાયસન્સ ત્યારે મળે જે લોકો પાસે પોતાના નામે મિલકત હોય, પણ હાલ જે માલધારી પશુપાલક છે તેની પાસે વર્ષો થયા મુંગા પશુ બાંધવા માટેના વાડાઓ છે તે કાયદેસર કરવા અનેક વખત આ અગાઉ રજુઆત સરકાર તેમજ લાગતા વળગતા તમામ પાસે કરેલ છે. છતાં પણ કોઈ નિર્ણય આવેલ નથી.ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ખરાબા તથા ગૌચરની જમીનમાં દબાણ થયેલ છે તે તાત્કાલીક દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવા તથા માલધારીઓના માલીકીના મુંગા પશુઓ ને પકડવાની કાર્યવાહી મહાનગરપાલીકા દ્વારા કરવામાં આવે છે અને ચાર હજાર રૂપિયા જેવો ભારે દંડ કરવામાં આવે છે તે બંધ કરવાની માંગ છે. કારણ કે ગરીબ માલધારીઓ આ દંડ ભરી શકતા નથી અને તેનું ગુજરાન આ પશુઓ દ્વારા જ થાય છે તો ઢોર પકડવાની કાર્યવાહી બંધ કરી દંડની કાર્યવાહી બંધ કરવામાં આવે તેવી માંગ છે. હાલ મોરબી શહેર લીલાપર રોડ સહીત જે જગ્યાએ મુંગા પશુઓના માલધારી સમાજના વાડાઓ આવેલ છે તે કાયદેસર કરી આપવાની માંગ છે.