મોરબી : હિન્દૂ રિવાજ મુજબ અષાઢી બીજથી તહેવારની શરૂઆત થાય છે. ત્યારે આજથી તા. 6-7-2025 ને રવિવારથી અગિયારસથી નાની બાળાઓના પાંચ દિવસીય મોળા કત વ્રતનો પ્રારંભ થયો છે. આ વ્રતમાં નાની બાળાઓ 5 દિવસ સુધી મોળું એટલે કે મીઠા વગરનું ખાઈને રહે છે. તેમજ સવારે વહેલા ઉઠીને સ્નાન કરી નવા વસ્ત્રો અને આભૂષણ ધારણ કરી શણગાર કરે છે. તેમજ એક થાળીમાં અબીલ, ગલાલ, કંકુ, કેસર, સોપારી, કમળ કાકડી, નાડાછડી, ફળ, ફૂલ, નાગલા વગેરે ચડાવી પૂજન કરે છે. ત્યારબાદ જવેરાનું પૂજન કરે છે. આમ પાંચ દિવસ સુધી બાળાઓ એકટાણું કરે છે. આ દરમ્યાન બાળાઓ આખો દિવસ અલગ અલગ રમતો રમે છે. શિવ પાર્વતીની ઉપાસના કરે છે અને પાંચમા દિવસે એટલે કે પૂનમના દિવસે વ્રતનું ઉજવણું કરે છે. અને રાત્રે જાગરણ કરે છે.