સરકાર પાસાની કાર્યવાહી રદ કરે, નહીંતર પરિણામ ભોગવવા તૈયાર રહે: કરણી સેના મોરબી : ગઈકાલે ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી. જાડેજાની રાજકોટ ખાતે ધરપકડ કરવામાં આવી હતી અને તેઓને પાસા હેઠળ જેલમાં ધકેલવામાં આવ્યા છે. પી.ટી. જાડેજા સામે થયેલી આ કાર્યવાહીને લઈને ઠેર ઠેર ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે મોરબી કરણી સેનાએ પણ પી.ટી. જાડેજાની ધરપકડ અંગે રોષ વ્યક્ત કર્યો છે.કરણી સેના ટીમના મોરબી જિલ્લા પ્રમુખ જયદેવસિંહ જાડેજા, તાલુકા પ્રમુખ રવિરાજસિંહ જાડેજા અને શહેર પ્રમુખ અશોકસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, અમારા સમાજના આગેવાન પી. ટી. જાડેજા ઉપર થયેલ ખોટી કાર્યવાહીનો ક્ષત્રિય સમાજ સખત વિરોધ કરે છે. પી. ટી. જાડેજા ઉપર કિન્નાખોરી રાખી એન કેન પ્રકારે સામાન્ય બાબતમાં જે ખોટા કેસ ઊભા કરી જે રીઢા ગુન્હેગાર હોય એમ એમની ઉપર પાસા જેવી કાર્યવાહી કરી છે તે માત્ર ને માત્ર જે ભૂતકાળમાં ક્ષત્રિય અસ્મિતા આંદોલન કર્યું હતું તેનો બદલો લેવા માટે કાર્યવાહી કરી હોઈ તે સાબિત થાય છે. પરંતુ સરકાર જો આ રીતે અમારા આગેવાન અને અમારા સમાજ ને બાનમાં લેવાનો પ્રયત્ન કરશે તો એ અમે ક્યારે પણ સહન નહીં કરીએ. આજે આ કાર્યવાહી પી. ટી. જાડેજા ઉપર કરી છે કાલે કોઈ બીજા આગેવાન ઉપર થશે જે અમે સહન નહીં કરીએ. પી.ટી.જાડેજા એકલાં નથી આખો સમાજ તેમની સાથે છે. એટલે સરકાર આ પાસાની કાર્યવાહી રદ કરે નહિતર પરિણામ ભોગવવા તૈયાર રહે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.