પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રી અન્વયે રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાતમોરબી : કેન્દ્ર સરકાર ધ્વારા ડિજીટલ પબ્લીક ઈન્ફાસ્ટ્રકચર કૃષિ સબબ એગ્રીસ્ટેક પ્રોજેકટ અમલમાં મુકાયો છે. જેમાં તમામ ખેડૂત ખાતેદારોને ફાર્મર રજીસ્ટ્રી (ખેડૂત નોંધણી) કરાવવી ફરજિયાત છે. હાલમાં પી.એમ.કિસાન યોજના અંતર્ગત લાભ મેળવવા તમામ ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રી ફરજિયાત કરવામાં આવેલ છે. આમ મોરબી જિલ્લામાં પી.એમ.કિસાન યોજના અન્વયે 19માં હપ્તાનો લાભ લેતા 77,892માંથી અત્યાર સુધી 55,770 ખેડૂતોએ નોંધણી કરાવી છે. નોધણી કર્યા સિવાયના ખેડૂતોએ 10 મી જુલાઈ સુધીમાં ફાર્મર રજીસ્ટ્રી નહી કરાવે તો આગામી મહિને પી.એમ.કિસાનના હપ્તાથી વંચિત રહેવું પડશે. આગામી 10 મી જુલાઈ સુધીમાં રજીસ્ટ્રેશન નહી કરાવનાર 28 ટકા ખેડૂતોને ભવિષ્યમાં કલ્યાણકારી યોજનાનો લાભ નહી મળી શકે. સરકારની કલ્યાણકારી યોજનાઓ હેઠળ મળતી આગામી હપ્તાની રકમનો લાભ મળી શકે તે માટે રજીસ્ટ્રેશન જરૂરી છે. આ માટે જિલ્લા ખેતી વિભાગ દ્વારા તમામ ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રી (ખેડૂત નોંધણી) કરાવવા અનુરોધ પણ કરાયો છે.હાલમાં ફાર્મર રજીસ્ટ્રેશનનો મુખ્ય ઉપયોગ કૃષિ તથા સંલગ્ન વિભાગો ધ્વારા ચાલતી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જિલ્લાના તમામ ખેડૂતોને સરળ, પારદર્શક, અને સમયસર પુરો પાડી શકાય તે માટેનો છે. આ સિવાય ફાર્મર રજીસ્ટ્રીથી ખેડૂતોની ઓળખ પ્રસ્થાપિત કરી શકાશે તેમજ કૃષિ સેવાઓ જેવી કે કૃષિ ધિરાણ, ટેકાના ભાવો ખરીદી પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના જેવી યોજનાઓના લાભ ખેડૂતોને ઝડપથી પહોંચાડવા માટેનો છે.હાલમાં મોરબી જિલ્લામાં ફાર્મર રજીસ્ટ્રી (ખેડૂત નોંધણી) અંગેના કેમ્પ યોજવામાં આવી રહેલ છે જેમાં ખેડૂતોએ આધાર કાર્ડ, જમીનના ઉતારાની નકલ-8અ તેમજ આધાર કાર્ડ લીંક હોય તે મોબાઈલ નંબર સાથે ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવે છે. આથી કેમ્પ દરમિયાન ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી શકાય.વધુમાં બહાર ગામ રહેતા ખેડૂતોએ https://gjfr.agristack.gov.in/farmer-registry-gj/#/ વેબસાઈટ પર જઈ સેલ્ફ રજીસ્ટ્રેશન કરી શકે છે અથવા કોઈ પણ નજીકના સી.એસ.સી. (કોમ્પ્યુટર સહાયતા કેન્દ્ર) પર જઈ ફાર્મર રજીસ્ટ્રી કરાવી શકો છો. આ માટે તમામ ખેડૂતોએ આધાર કાર્ડ, જમીનના ઉતારાની નકલ-8 અ તેમજ આધારકાર્ડ લીંક હોય તે મોબાઈલ નંબર સાથે રાખવો ખાસ જરૂરી છે. આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના તલાટી-કમ-મંત્રી/ગ્રામસેવકનો સંપર્ક કરવો તેવું મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.