આંગણવાડી વર્કરોએ મદદનીશ મતદાર નોંધણી અધિકારીને કરી લેખિત રજૂઆતમાળિયા (મિયાણા) : માળિયા (મિયાણા) તાલુકાના આંગણવાડી વર્કરોએ BLOની કામગીરી કરવા વિરોધ દર્શાવીને આ કામગીરીમાંથી મુક્તિ આપવા અંગે મદદનીશ મતદાર નોંધણી અધિકારીને બાળવિકાસ યોજના અધિકારી (ICDS શાખા માળિયા મિયાણા) મારફતે લેખિત રજૂઆત કરવામાં આવી છે.આંગણવાડી વર્કરોએ રજૂઆતમાં જણાવ્યું છે કે, આંગણવાડી વર્કરોમાં ઘણા મોટી ઉંમરના બહેનો છે. જેઓ ઓછું ભણેલા હોવાથી BLOનું કામ કરી શકે તેમ નથી. આંગણવાડી વર્કરને ઘણી બધી ઓનલાઈન કામગીરી સમયસર થઈ શકતી નથી તો આ કામગીરી થઈ શકે તેમ નથી. આંગણવાડી કેન્દ્રમાં 6 રજિસ્ટર પણ નિભાવવાની જવાબદારી હોય છે તે પણ કેન્દ્રના સમય પછી પૂર્ણ કરીએ છીએ તો BLOની કામગીરી ઘણી અઘરી લાગે છે. આંગણવાડી કેન્દ્ર ઉપર બાળકોને પૂર્ણ પ્રાથમિક શિક્ષણની થીમ મુજબ પ્રવૃત્તિ કરાવવાની થતી હોય તેના સમયમાં બિન કામગીરી શક્ય નથી. આંગણવાડી કેન્દ્રમાં લાભાર્થીની હાજરી, સ્ટોક અને અન્ય કામગીરીનું ભારણ હોવાથી BLOની કામગીરી શક્ય નથી. સગર્ભા-ધાત્રીના લાભાર્થી અને વાલીઓની મુલાકાત લેવાની હોય છે. નોંધાયેલા પોષણ ટ્રેકરના લાભાર્થીના ઈ-કેવાયસી અને ફોટો કેપ્ચરની કામગીરી દર મહિને કરવાની હોય છે. આમ આંગણવાડી વર્કરો પાસે ઘણી બધી કામગીરી હોવાથી BLOની કામગીરી કરવી શક્ય નથી. તેથી આ બાબતે યોગ્ય નિર્ણય લેવા રજૂઆત કરાઈ છે.